એશિયા કપની પ્રથમ સુપર ઓવરના થ્રિલરમાં ભારત જીત્યું…

દુબઈઃ એશિયા કપની સૌપ્રથમ સુપરઓવરમાં શ્રીલંકા (બે વિકેટે બે રન)ને ભારતે (એક બૉલમાં ત્રણ રન) હરાવી દીધું હતું. અર્શદીપની સુપરઓવરમાં શ્રીલંકાએ પાંચ બૉલમાં બે રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પછીથી સૂર્યકુમારે પહેલા જ બૉલ પર ત્રણ રન દોડીને વિજય અપાવ્યો હતો.
સુપર-ફોરની મુખ્ય મૅચમાં ભારતના 5/202ના જવાબમાં શ્રીલંકાએ પણ 5/202ના સ્કોર કરતા મૅચ સુપરઓવરમાં ગઈ હતી. શ્રીલંકાની ઇનિંગ્સની છેલ્લી પળોમાં ભારતીય ખેલાડીઓ ફમ્બલ થઈ જતાં શ્રીલંકાને સ્કોર સમાન કરવા મળી ગયો હતો.
આ સુપર-ફોર રાઉન્ડની અંતિમ અને અનૌપચારિક મૅચ હતી. નિસન્કા (107 રન, 58 બૉલ, છ સિક્સર, સાત ફોર)ની બધી મહેનત પાણીમાં ગઈ હતી. ભારતના પાંચ બોલરને એક એક વિકેટ મળી હતી.
એ પહેલાં, શ્રીલંકા સામેની આ અનૌપચારિક મૅચમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 202 રન કર્યા હતા. અક્ષર પટેલે ઇનિંગ્સના અંતિમ બૉલમાં છગ્ગો મારી દેતાં આ એશિયા કપમાં પહેલી વાર 200 રન જોવા મળ્યા. અક્ષર 21 રને અણનમ રહ્યો હતો.
બૅટિંગના કોઈ પણ ક્રમે સતત સારું રમી રહેલો તિલક વર્મા (49 રન) એક રન માટે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. એ પહેલાં, એવરગ્રીન ઓપનર અભિષેકે 31 બૉલમાં બે સિક્સર અને આઠ ફોરની મદદથી 61 રન તથા સંજુ સૅમસને 23 બૉલમાં ત્રણ સિક્સર, એક ફોર સાથે 39 રન કર્યા હતા. ગિલ (4), સૂર્યકુમાર (12) અને હાર્દિક (બે રન) ફરી સારું રમવામાં નિષ્ફળ ગયા હતા. શ્રીલંકાના પાંચ બોલરે એક-એક વિકેટ લીધી હતી.
હવે રવિવારે, 28મી સપ્ટેમ્બરે (રાત્રે 8.00 વાગ્યાથી) ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાશે. ભારતે આઇસીસીના બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટને લગતા નિયમોને આધીન રહીને પાકિસ્તાન સામે રમવું પડી રહ્યું છે. 14મી અને 21મી સપ્ટેમ્બરના મુકાબલામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.
ભારત લીગ-રાઉન્ડમાં તમામ ત્રણ મૅચ અને સુપર-ફોરમાં ત્રણ, એમ કુલ મળીને બધી છ મૅચ જીતીને ફાઇનલમાં રમશે. પાકિસ્તાન લીગ-સ્ટેજમાં એક અને સુપર-ફોરમાં એક, એમ કુલ બે મૅચ હારી ગયું છે અને ભારતના હાથે તો એણે બે જોરદાર પછડાટ ખાધી છે.