આવતા રવિવારે ફરી ભારત પાકિસ્તાન ટકરાશે, પણ જો… | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

આવતા રવિવારે ફરી ભારત પાકિસ્તાન ટકરાશે, પણ જો…

દુબઈ: ઘણા મહિનાઓથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 એશિયા કપ (Asia Cup)ના મુકાબલાની રાહ જોવાઈ રહી હતી અને રવિવારે એ હાઈ-વોલ્ટેજ મૅચ રમાઈ ગઈ જેમાં ભારતે (India) પાકિસ્તાન (Pakistan)ને સાત વિકેટે કચડી નાખ્યું, પરંતુ હવે મુદ્દો એ છે કે આવતા રવિવારે (21મી સપ્ટેમ્બરે રાત્રે 8:00 વાગ્યાથી) ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે કે નહીં?

દરેક ભારતીય ખેલાડીએ જીત સમર્પિત કરી

બાય ધ વે, રવિવાર, 14મી સપ્ટેમ્બરે ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને એની આબરૂ કાઢી અને ત્યાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેમ જ તમામ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને તેમને શરમમાં મૂકી દીધા ત્યાર પછી દરેક ભારતીય ખેલાડીએ એપ્રિલમાં પહલગામમાં આતંકવાદીઓના ઘાતક હુમલાનો ભોગ બનેલા હિન્દુ સહેલાણીઓને આ જીત સમર્પિત કરી હતી.

કુલદીપ યાદવ મૅન ઑફ ધ મૅચ

રવિવારે ભારતે પાકિસ્તાનને 9/127 સુધી સીમિત રાખ્યા બાદ 15.5 ઓવરમાં ત્રણ વિકેટે 131 રન કરીને આસાન વિજય મેળવી લીધો હતો. એમાં કેપ્ટન સૂર્યકુમારના અણનમ 47 અને અભિષેક શર્મા તેમ જ તિલક વર્માના 31-31 રન સામેલ હતા. 18 રનમાં પાકિસ્તાનની ત્રણ વિકેટ લેનાર કુલદીપ યાદવને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

શેડ્યૂલ મુજબ ભારત-પાકિસ્તાનની બીજી ટક્કર છે જ

શેડ્યૂલ પ્રમાણે મોટા ભાગે તો રવિવારે બંને કટ્ટર હરીફ ટીમ સુપર-ફોર રાઉન્ડમાં સામસામે આવવાની જ છે, પરંતુ મુદ્દાની વાત એ છે કે ભારત 14 સપ્ટેમ્બરે પાકિસ્તાનને હરાવીને સુપર-ફોરમાં પહોંચી ગયું છે, જ્યારે પાકિસ્તાને બુધવારે યજમાન યુએઈની મજબૂત ટીમ સામે જીતવું જ પડશે. પાકિસ્તાન એમાં જીતશે તો આસાનીથી સુપર-ફોરમાં પહોંચી જશે. નહીં તો, ગ્રૂપ ‘ એ’માંથી ભારત સાથે બીજી કઈ ટીમ સુપર-ફોરમાં જશે એ માટે રસાકસી થશે. બંને ગ્રુપમાંથી બે-બે ટીમ સુપર ફોર રાઉન્ડમાં જવાની છે. ગ્રૂપ ‘ બી’માં સોમવારે બપોરે આ લખાઈ રહ્યું છે ત્યારે અફઘાનિસ્તાન શ્રીલંકા અને બાંગ્લાદેશ બે-બે પોઇન્ટ સાથે બરાબરીમાં હતા, જ્યારે હોંગ કોંગની ટીમ બંને મૅચ હારી ચૂકી હોવાથી એના નામે પોઇન્ટસ ટેબલમાં શૂન્ય હતું.

યુએઈ જો પાકિસ્તાનને હરાવે તો…

જો બુધવારે પાકિસ્તાન સામે યુએઈ જીતી જશે તો સુપર ફોરમાં પહોંચવા માટે એ બે ટીમ વચ્ચે હરીફાઈ થશે. એમાં નેટ રન રેટ મહત્વની ભૂમિકા ભજવશે. એ પહેલાં યુએઈએ જો ઓમાનને હરાવ્યું હશે તો સમીકરણ બદલાઈ જશે.

શુક્રવારે ભારત વિરુદ્ધ ઓમાન

બીજી નવાઈની વાત એ છે કે શુક્રવારે ભારત સામે ઓમાનની ટીમ રમશે. એમાં ભારતના જીતવાના ચાન્સ સૌથી વધુ છે પણ જો ઓમાન જીતશે તો એ પણ બે પોઇન્ટ અને સધ્ધર સ્થિતિમાં લાવી શકે એવા નેટ રન રેટ સાથે સુપર-ફોર માટેનો દાવો કરી શકશે.

સૌથી પહેલાં તો આજે (સાંજે 5:30 વાગ્યાથી) યુએઈ અને ઓમાન વચ્ચે જે મૅચ છે એ પણ સુપર-ફોર માટે બની રહેલા સમીકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

ટૂંકમાં, પાકિસ્તાન બુધવારે યુએઈ સામે જીતે અને એકંદરે યુએઈ તથા ઓમાન પોતપોતાની બાકીની કુલ બે-બે મૅચ હારે તો પાકિસ્તાન માટે સુપર-ફોરનો માર્ગ મોકળો થાય અને તો જ આગામી રવિવારે ફરી એક વખત ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ થઈ શકે અને એમાં પણ વિજય મેળવીને ભારત પહલગામમાં શહીદ થયેલાઓને વધુ એક જીત સમર્પિત કરી શકે

આજે કોની વચ્ચે મુકાબલા?

યુએઈ વિરુદ્ધ ઓમાન
અબુ ધાબી, સાંજે 5:30

શ્રીલંકા વિરુદ્ધ હોંગ કોંગ
દુબઈ, રાત્રે 8.00

આપણ વાંચો:  પાકિસ્તાન સામે શાનદાર જીત છતાં આ મામલે ભારતીય ટીમને ભારે નુકશાન વેઠવું પડ્યું…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button