ભારત નવ વિકેટે જીત્યુંઃ સ્પિનર્સના તરખાટ પછી અભિષેક-ગિલની આતશબાજી | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

ભારત નવ વિકેટે જીત્યુંઃ સ્પિનર્સના તરખાટ પછી અભિષેક-ગિલની આતશબાજી

દુબઈઃ ટી-20 એશિયા કપમાં ભારતે યુએઇને 57 રનમાં આઉટ કર્યા બાદ 58 રનનો લક્ષ્યાંક (93 બૉલ બાકી રાખીને) એક વિકેટના ભોગે મેળવી લીધો હતો. ભારતે (INDIA) માત્ર 4.3 ઓવરમાં એક વિકેટના ભોગે 60 રન બનાવીને વિજય મેળવવાની સાથે બે પૉઇન્ટ પણ હાંસલ કરી લીધા હતા.

અભિષેક શર્મા (30 રન, 16 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને શુભમન ગિલ (20 અણનમ, નવ બૉલ, એક સિક્સર, બે ફોર) વચ્ચે 48 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ભારતીય સ્પિનર્સના તરખાટ બાદ બન્ને ઓપનરે ભારત (INDIA)નો વિજય વધુ આસાન બનાવ્યો હતો.

આ પણ વાંચો: શૉકિંગઃ ભારત-પાકિસ્તાન મૅચની અમુક ટિકિટો હજી નથી વેચાઈ

જોકે પેસ બોલર જુનૈદ સિદ્દિકે ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક (ABHISHEK SHARMA)ની વિકેટ લીધી હતી. તે મિડ-ઑન પરથી દોડી આવેલા હૈદર અલીના હાથમાં કૅચઆઉટ થયો હતો.

એ પહેલાં, યુએઇની ટીમ ભારતીય સ્પિનર્સ સામે ઝૂકી ગઈ હતી. કુલદીપે ચાર તેમ જ અક્ષર અને વરુણે એક-એક વિકેટ લીધી હતી. પેસ બોલિંગ ઑલરાઉન્ડર શિવમ દુબેએ ત્રણ અને બુમરાહે એક વિકેટ લીધી હતી. એક તબક્કે કુલદીપે એક ઓવરમાં ત્રણ વિકેટ મેળવી હતી. યુએઇના અલીશાન શરાફુના બાવીસ રન ટીમમાં હાઈએસ્ટ હતા.

બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવન કઈ હતી?

ભારતઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.

યુએઇઃ મુહમ્મદ વસીમ (કૅપ્ટન), રાહુલ ચોપરા (વિકેટકીપર), મુહમ્મદ ઝોહૈબ, આસિફ ખાન, અલીશાન શરાફુ, ધ્રુવ પરાશર, હર્ષિત કૌશિક, હૈદર અલી, મુહમ્મદ રોહિદ, જુનૈદ સિદ્દિક અને સિમરનજીત સિંહ.

આગામી મુકાબલાઃ

ગુરુવારેઃ બંગ્લાદેશ વિરુદ્ધ હૉંગ કૉંગ
(રાત્રે 8.00 વાગ્યાથી)

શુક્રવારેઃ પાકિસ્તાન વિરુદ્ધ ઓમાન
(રાત્રે 8.00 વાગ્યાથી)

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button