એશિયા કપમાં ભારત માટે શુક્રવારે અજમાયશનો દિવસ

શ્રીલંકા સામે મુકાબલોઃ ટીમ ઇન્ડિયા 4-1થી આગળ છે
દુબઈઃ ટી-20 એશિયા કપમાં ભારત ફાઇનલમાં પહોંચી ગયું હોવાથી શુક્રવાર, 26મી સપ્ટેમ્બરે (રાત્રે 8.00 વાગ્યાથી) શ્રીલંકા સામે રમાનારી સુપર-ફોર રાઉન્ડની આખરી મૅચમાં હેડ-કોચ ગૌતમ ગંભીર તથા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમમાં પ્લેયરો વચ્ચેના કૉમ્બિનેશનની બાબતમાં કેટલાક અખતરા કરશે તો નવાઈ નહીં લાગે. જોકે સૂર્યકુમારે છેલ્લી બે મૅચમાં બૅટિંગ-ઑર્ડરમાં જે ફેરફારો કર્યા એ જોતાં તે બહુ જોખમ નહીં ઉઠાવે એવું માનવામાં આવે છે.
શુક્રવારે ભારતીય બૅટ્સમેન વિકેટ નહીં ફેંકે અને જેમ બુધવારે બાંગ્લાદેશ સામેની મૅચમાં પાંચ કૅચ છોડ્યા એમ ખરાબ ફીલ્ડિંગ નહીં કરે તો શ્રીલંકા (SriLanka) સામે વિજય પાક્કો જ સમજો. સ્પિનર વરુણ ચક્રવર્તીની બોલિંગમાં જ કેટલાક કૅચ છૂટ્યા હતા અને વરુણે પત્રકારો સાથેની વાતચીતમાં કૅચ ડ્રૉપ થવાના મુદ્દે કહ્યું હતું કે ` આટલા બધા ઊંચા સ્તરે પહોંચી ગયા પછી કૅચ છૂટે એ ટીમના હિતમાં ન કહેવાય. કોઈ બહાના ન ચાલે. અમે ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ગયા છીએ એટલે કૅચ ઝીલવાની પૂરતી પ્રૅક્ટિસ થવી જ જોઈએ. એક પણ કૅચ ન છૂટવો જોઈએ.’
દુબઈ (Dubai)ના સ્ટેડિયમની ફ્લડલાઇટ્સ બહુ ઊંચા ટાવર પર નથી. આ લાઇટ ફૂટબૉલના ગ્રાઉન્ડમાં હોય એવી લાગે છે. વરુણે એ વિશે કહ્યું હતું કે ` દુબઈના સ્ટેડિયમમાં રિંગ ઑફ ફાયરને લીધે ઊંચો બૉલ પારખવામાં થોડી તકલીફ થાય છે. જોકે એ લાઇટમાં રમવાની આદત પાડવી જ જોઈશે.’
છેલ્લા પાંચ મુકાબલામાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. છેલ્લે 2024ની 30મી જુલાઈએ શ્રીલંકા સામેની ભારતની મૅચ ટાઇ થઈ હતી અને સુપરઓવરમાં ભારતે વિજય મેળવ્યો હતો. એ અગાઉની (2023-’24ની) ત્રણ ટી-20માં ભારતે શ્રીલંકાને માત આપી હતી અને એ પહેલાં 2023માં શ્રીલંકા સામે ભારતનો પરાજય થયો હતો.
ભારતીય ટીમમાં વિકેટકીપર સંજુ સૅમસનના સ્થાને જિતેશ શર્માને આજે અજમાવાશે તો નવાઈ નહીં લાગે.
સુપર-ફોરમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે પરાજિત થનાર શ્રીલંકાની ટીમ ફાઇનલની રેસની બહાર થઈ ગઈ છે.
ચરિથ અસલન્કા શ્રીલંકાનો કૅપ્ટન છે અને ટીમના જાણીતા ખેલાડીઓમાં પથુમ નિસન્કા, વિકેટકીપર કુસાલ મેન્ડિસ, કુસાલ પરેરા, દાસુન શનાકા, કામિન્ડુ મેન્ડિસ, વનિન્દુ હસરંગા, દુનિથ વેલ્લાલાગે, નુવાન થુશારા, ચમીરા, મથીશા પથિરાના તથા માહીશ થીકશાનાનો સમાવેશ છે.