સૂર્યકુમારે પાયક્રૉફ્ટ સાથે હાથ મિલાવ્યા, પણ પાકિસ્તાની કૅપ્ટને પાયક્રૉફ્ટને અવગણ્યા!

દુબઈઃ અહીં એશિયા કપમાં 14મી સપ્ટેમ્બરે ભારત સામેની મૅચ પહેલાં પાકિસ્તાની સુકાની સલમાન અલી આગા (Salman Agha) સાથે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે (SURYAKUMAR) હાથ ન મિલાવીને પાકિસ્તાનને એની લિમિટ બતાવી દીધી હતી
ત્યાર બાદ આજે (21મી સપ્ટેમ્બરે) સુપર-ફોર રાઉન્ડની મૅચ પહેલાં પણ ટૉસ વખતે સૂર્યકુમારે તેની સાથે હૅન્ડશેક નહોતા કર્યા અને ફરી સમગ્ર પાકિસ્તાનને શરમમાં મૂકી દીધું હતું.
એ તો ઠીક, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટના નામે અઠવાડિયા સુધી મોટી બબાલ કરી ત્યાર બાદ આજે (21મીએ) એના કૅપ્ટન સલમાન આગાએ સૂર્યકુમાર અને ઍન્કર રવિ શાસ્ત્રીની હાજરીમાં પાયક્રૉફ્ટને જ પોતાના 11 ખેલાડીઓની ટીમ-શીટ સોંપવી પડી હતી.
વધુ નવાઈની વાત એ છે કે સૂર્યકુમારે મૅચ-રેફરી પાયક્રૉફ્ટ સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ સલમાન આગાએ પાયક્રૉફ્ટ સાથે હાથ ન મિલાવીને તેમનું અપમાન કર્યું હતું અને પાકિસ્તાન તથા પાકિસ્તાની કૅપ્ટનની આ જ ઔકાત છે એ બતાવી દીધું હતું.
સામાન્ય રીતે પરંપરા છે કે ટૉસ વખતે બન્ને ટીમના કૅપ્ટન મૅચ-રેફરી સાથે હૅન્ડશેક કરતા હોય છે, પરંતુ સલમાન આગાએ પીસીબીના આદેશથી પાયક્રૉફ્ટને અવગણ્યા હશે એમાં બેમત ન હોઈ શકે. પાયક્રૉફ્ટને પોતાની તમામ મૅચમાંથી હટાવી નાખવાની ગયા અઠવાડિયે બે વખત કરવામાં આવેલી માગણી આઇસીસીએ ફગાવી દીધી હતી.
સિક્કો ઉછાળાયા બાદ પોતાનો કૉલ સાચો પડતાં સૂર્યકુમારે ફીલ્ડિંગ પસંદ કરીને નાનો ઇન્ટરવ્યૂ આપ્યો ત્યાર પછી સલમાન આગાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ` હું ટૉસ જીત્યો હોત તો મેં પણ ફીલ્ડિંગ પસંદ કરી હોત.’
આ પણ વાંચો…સોશ્યલ મીડિયામાં પાકિસ્તાની ટીમની ભરપૂર મજાક ઉડાવાઈ રહી છે