રવિવારે એશિયન ટ્રોફી પર ` અભિષેક અને તિલક' ભારતના જ થશે...
T20 એશિયા કપ 2025Top News

રવિવારે એશિયન ટ્રોફી પર ` અભિષેક અને તિલક’ ભારતના જ થશે…

પાકિસ્તાન સામેના જંગમાં રવિવારના શુભ'દિવસે ટીમ ઇન્ડિયાનો નવો સૂર્ય’ ઊગશે અને પછી ` હાર્દિક’ અભિનંદન પણ મળશે

દુબઈઃ બસ, બહુ થયું…ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે પાકિસ્તાનની ` બી’ ગે્રડની ટીમને એશિયા કપમાં ઉપરાઉપરી બે થપાટ મારી અને હવે ત્રીજી ફાઇનલ લપડાક લગાવવાનો સમય પણ આવી ગયો છે.

રવિવાર, 28મી સપ્ટેમ્બરે (રાત્રે 8.00 વાગ્યાથી) રમાનારા આ નિર્ણાયક મુકાબલામાં સૌની નજર ખાસ કરીને ટીમ ઇન્ડિયાના ઇન્ફૉર્મ ઓપનર અને ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા (Abhishek Sharma) પર રહેશે. કોઈ પણ ક્રમે સારું રમવાની ક્ષમતા ધરાવતો તિલક વર્મા પણ પાકિસ્તાન (Pakistan)ને ભારે પડી શકે.

એ પહેલાં, શુભમન ગિલને જો ફરી ઓપન કરવાનો મોકો મળશે તો તેનામાં પણ મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમવાની તાકાત છે. હાર્દિક પંડ્યાને શુક્રવારે શ્રીલંકા સામેની મૅચમાં ઈજા થઈ હતી. તે રમશે તો તે પણ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી મૅચ જિતાડી શકશે. ટૂંકમાં, સૂર્યકુમાર યાદવના સુકાનમાં જીતીને પાકિસ્તાન સામે એશિયા કપની પહેલી જ ફાઇનલ જીતી જતાં ભારતીય ટીમ પર હાર્દિક અભિનંદનની વર્ષા થયા વિના નહીં રહે.

વર્ષો જૂની માન્યતા પૂરી કરવાનો આ સમય

વર્ષોથી ટીમ ઇન્ડિયા માટે કોઈ પણ ટૂર્નામેન્ટમાં એવું કહેવાતું રહ્યું છે કે ` ફાઇનલ ન જીતી શકો તો કંઈ નહીં, પણ પાકિસ્તાનને તો હરાવજો જ.’ યોગાનુયોગ, રવિવારે ભારત-પાકિસ્તાનના મુકાબલાનો દિવસ છે અને એ પણ ફાઇનલમાં. ભારત-પાકિસ્તાન પહેલી જ વખત એશિયા કપની ફાઇનલમાં ટકરાઈ રહ્યા છે અને એ જીતીને ટીમ ઇન્ડિયા ભારતીય ક્રિકેટમાં નવું પ્રકરણ શરૂ કરી શકશે.

ભૂતકાળમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની એક ફાઇનલમાં ભારત (India)નો પાકિસ્તાન સામે પરાજય થઈ ચૂક્યો છે, પરંતુ 2007માં ભારતે સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને રોમાંચક મુકાબલામાં પરાસ્ત કર્યું હતું.

અભિષેક વિરુદ્ધ આફ્રિદી

પચીસ વર્ષનો લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્મા વર્તમાન એશિયા કપમાં 309 રન સાથે તમામ બૅટ્સમેનોમાં મોખરે છે અને આ છે તેની છ ઇનિંગ્સના સ્કોર્સઃ 30, 31, 38, 74, 75 અને 61 રન. આમાંથી પાકિસ્તાન સામે તેણે 31 અને 74 રન બનાવ્યા હતા. ખરેખર તો અભિષેકે આ ટૂર્નામેન્ટમાં બૅટિંગમાં એકલા હાથે ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું એમ કહીએ તો પણ ખોટું નથી.

ભારતીય બૅટ્સમેનોમાં તેના પછી તિલક વર્મા 144 રન સાથે બીજા નંબરે છે અને રનના આ તફાવત પરથી જ ખ્યાલ આવી જાય છે કે ભારતની બૅટિંગ લાઇન-અપમાં અભિષેક કેટલો બધો મહત્ત્વનો છે. અભિષેકના સારા ઓપનિંગ બાદ ભારતે બન્ને મૅચ જીતી લીધી હતી. ભારતીય ટીમના બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલના મતે અભિષેક અને પાકિસ્તાનના પચીસ વર્ષીય ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી વચ્ચે અત્યંત રસાકસી થશે.

મૉર્કલ અગાઉ થોડા સમય માટે પાકિસ્તાનનો બોલિંગ ક્નસલ્ટન્ટ હતો ત્યારે તેણે શાહીન આફ્રિદીને કોચિંગ આપ્યું હતું અને તેની કચાશ તથા નબળાઈથી સારી રીતે વાકેફ છે. મૉર્કલે પીટીઆઇને કહ્યું, આફ્રિદી આક્રમક ફાસ્ટ બોલર છે અને તે દરેક બૉલમાં બૅટ્સમૅનને ક્લીન બોલ્ડ કરવા કોઈ પ્રયત્ન નથી છોડતો. જોકે અભિષેક પણ કમ નથી. તે તેની બોલિંગની ખબર લઈ નાખશે.’ ખુદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમે પાકિસ્તાની ટીમને સલાહ આપી છે કે અભિષેકને વહેલો આઉટ કરી નાખજો.’ જોકે ત્યાર પછી પણ ભારત પાસે બૅટિંગમાં સારા મૅચ વિનર્સ છે અને બૅટિંગ લાઇન-અપ લગભગ નવમા નંબર સુધીની છે.

હાર્દિક, અભિષેકને નજીવી ઈજા થઈ

શુક્રવારે શ્રીલંકા સામેની સુપર ઓવરવાળી મૅચ દરમ્યાન હાર્દિક પંડ્યાએ સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે એક જ ઓવર બોલિંગ કરી હતી. અભિષેકને પણ ક્રૅમ્પ્સની તકલીફ હતી. બોલિંગ-કોચ મૉર્કલે પીટીઆઇને કહ્યું, ` હાર્દિકની ઈજા કેટલી ગંભીર છે એનું રવિવારે સવારે અવલોકન કરાશે. અભિષેકને હવે ઘણું સારું છે.’

પાકિસ્તાનની બૅટિંગ નબળી છે

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વિનાની પાકિસ્તાનની બૅટિંગ લાઇન-અપ નબળી છે. ઓપનર સાહિબઝાદા ફરહાને રવિવારે જસપ્રીત બુમરાહનો થોડો સારી રીતે સામનો કર્યો હતો, પણ એ સિવાય પાકિસ્તાનની બૅટિંગ લાઇન-અપમાં કોઈ ભલીવાર નથી. સઇમ અયુબ સતત ફ્લૉપ રહ્યો છે. તેણે તાજેતરમાં જ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં છ ઝીરોનો નવો વિક્રમ રચ્યો છે. હુસેન તલત અને કૅપ્ટન સલમાન આગા ભારતીય સ્પિનર્સ સામે સંઘર્ષ કરી ચૂક્યા છે.

ભારતીય સ્પિન-ત્રિપુટી ગાબડાં પાડશે

કુલદીપ યાદવ, ટી-20નો વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ પાકિસ્તાની બૅટિંગ લાઇન-અપને ચીંથરેહાલ કરી નાખશે તો નવાઈ નહીં લાગે. આ ત્રણેયમાં ખાસ કરીને લેફ્ટ-આર્મ ચાઇનામૅન રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ આ એશિયા કપમાં સૌથી વધુ 13 વિકેટ લઈ ચૂક્યો છે.

કયા પાંચ બૅટ્સમેન/બોલર પર સૌની નજર?

બૅટ્સમેનઃ અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ફખર ઝમાન અને મોહમ્મદ નવાઝ
બોલરઃ જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, શાહીન આફ્રિદી અને અબ્રાર અહમદ

આ પણ વાંચો…ભારત ફાઇનલ જીતશે તો પછીથી સ્ટેજ પર થોડો વિવાદ તો થશે જ!

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button