સુપર-મુકાબલામાં પણ ભારતના હાથે પાકિસ્તાન પરાસ્ત...
T20 એશિયા કપ 2025Top News

સુપર-મુકાબલામાં પણ ભારતના હાથે પાકિસ્તાન પરાસ્ત…

બોલર્સના તરખાટ પછી અભિષેકની વિક્રમ સાથે આતશબાજી

દુબઈઃ ભારતે (india) અહીં રવિવારે પાકિસ્તાનને એશિયા કપના સુપર-ફોર (super 4) રાઉન્ડના મુકાબલામાં છ વિકેટે હરાવીને ફરી એક વાર એને દુનિયા સામે શરમમાં મૂકી દીધું છે. છેલ્લા ઘણા વર્ષોમાં ક્રિકેટમાં પાકિસ્તાન પર ભારતનું સંપૂર્ણ પ્રભુત્વ રહ્યું છે અને એનો વધુ એક પુરાવો અહીં ઉપરાઉપરી બે રવિવારે મળી ગયો. ખાસ કરીને અભિષેક શર્માએ તેની અસ્સલ સ્ટાઇલમાં જબરદસ્ત ફટકાબાજી કરીને ભારતને પરાસ્ત કરાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.

ભારતે 172 રનનો ટાર્ગેટ 18.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે 174 રનના સ્કોર સાથે મેળવી લીધો હતો. એમાં અભિષેક શર્મા (74 રન, 39 બૉલ, પાંચ સિક્સર, છ ફોર) અને શુભમન ગિલ (47 રન, 28 બૉલ, આઠ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. બન્ને ઓપનર વચ્ચે 105 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા જ બૉલ પર આઉટ થઈ ગયો હતો, પરંતુ પછીથી તિલક વર્મા (બે સિક્સર, બે ફોરની મદદથી અણનમ 30) અને હાર્દિક (અણનમ 7)ની જોડીએ ભારતને જિતાડી દીધું હતું. એ પહેલાં, સૅમસન 13 રન કરીને આઉટ થયો હતો.

AFP

અભિષેકનો વિશ્વવિક્રમ

અભિષેક શર્મા ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી ઓછા 331 બૉલમાં 50 સિક્સર ફટકારનાર બૅટ્સમૅન બન્યો હતો. તેણે એવિન લુઇસ (366 બૉલ)નો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો હતો.

શિવમ દુબેની બે વિકેટ

એ પહેલાં, પાકિસ્તાને છેલ્લી કેટલીક ઓવરની ફટકાબાજીની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 171 રન કર્યા હતા. એમાં ઓપનર સાહિબઝાદાના 58 રન હાઇએસ્ટ હતા. બીજો કોઈ બૅટ્સમૅન પચીસ રન પણ નહોતો બનાવી શક્યો. શિવમ દુબેએ બે તેમ જ હાર્દિક અને કુલદીપે એક-એક વિકેટ લીધી હતી. મોહમ્મદ નવાઝ કૅપ્ટન સૂર્યકુમારના હાથે રનઆઉટ થયો હતો. પાકિસ્તાને ઓવર દીઠ 8.55ના રનરેટથી 171 રન બનાવ્યા હતા અને ભારતને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

પાકિસ્તાનના ઓપનર સાહિબઝાદા ફરહાન (45 બૉલમાં 58 રન) અને સઇમ અયુબ (17 બૉલમાં 21 રન) વચ્ચે 49 બૉલમાં 72 રનની ભાગીદારી થઈ હતી અને આ બન્ને બૅટ્સમેનની વિકેટ શિવમ દુબેએ લીધી હતી. પહેલાં અયુબ ભારતીય ઓપનર અભિષેકના હાથમાં અને પછી સાહિબઝાદા કૅપ્ટન સૂર્યકુમારના હાથમાં કૅચઆઉટ થયો હતો.

AP

હાર્દિક પંડ્યાએ સતત બીજી મૅચમાં પાકિસ્તાનની પ્રથમ વિકેટ અપાવી હતી. પાકિસ્તાનને બૅટિંગ અપાઈ ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ કુલ 21મા રનના સ્કોર પર પ્રથમ વિકેટ અપાવી હતી. તેણે ડેન્જરસ ઓપનર ફખર ઝમાન (15 રન)ને આઉટ કર્યો હતો. વિકેટકીપર સૅમસને તેનો નીચો કૅચ ઝીલ્યો હતો. પાકિસ્તાની ટીમે રિવ્યૂ લીધા બાદ થર્ડ અમ્પાયર શ્રીલંકાના રુચિરાએ ઘણી વાર સુધી રિપ્લે જોયા પછી ફખરને આઉટ જાહેર કર્યો હતો. 14મી સપ્ટેમ્બરની મૅચમાં હાર્દિકે વાઇડ પછીના પહેલા જ બૉલમાં સઇમ અયુબની વિકેટ અપાવી હતી.

abhishek sharma

દુબઈમાં વાતાવરણ તંગ થયું હતું

દુબઈમાં રવિવારે સુપર-ફોર મુકાબલા દરમ્યાન એક તબક્કે મેદાન પર વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હતું. પાકિસ્તાનના પરાજયની સંભાવના પૂરેપૂરી હતી અને ત્યારે શુભમન ગિલે હારિસ રઉફના એક બૉલને મિડવિકેટ પરથી બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો હતો ત્યારે રઉફ નજીકમાં ઊભેલા અભિષેક શર્માને કંઈક બોલ્યો હતો.

અભિષેકે તેને સામું ચોપડાવી દીધું હતું જેને પગલે બન્ને વચ્ચે દલીલ વધી ગઈ હતી અને બાંગ્લાદેશી અમ્પાયર ગાઝી સોહલ બન્નેને છોડાવવા દોડી આવ્યા હતા. રઉફ બબડતો દૂર જતો રહ્યો હતો.

ભારતે ફરી પાકનું નાક કાપ્યું

આતંકવાદીઓ, તેમના આકાઓ તેમ જ આતંકવાદની તરફેણ કરનારાઓથી ખદબદતા પાકિસ્તાનને યુદ્ધમાં ત્રણ જ દિવસમાં કચડી નાખ્યા બાદ ભારતે હવે આઠ દિવસમાં સતત બીજા મુકાબલામાં પાકિસ્તાનની ટીમને આસાનીથી હરાવી દીધી છે.

પાકિસ્તાન સાથે ભારત છેલ્લા 17 વર્ષમાં દ્વિપક્ષી શ્રેણી ક્યારેય નથી રમ્યું, પરંતુ આઇસીસીના નિયમોને આધીન બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં રમવું પડતું હોવાથી જ ભારતીય ટીમ પાકિસ્તાન સામે એશિયા કપમાં રમી છે અને બે વખત એને હરાવીને એનું નાક કાપ્યું છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button