ભારત એશિયન ચૅમ્પિયન…

દુશ્મન પાકિસ્તાનને લપડાકની હૅટ-ટ્રિકઃ તિલક, શિવમ, કુલદીપ સુપરસ્ટાર્સ
દુબઈઃ વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતે અહીં રવિવારે દુશ્મન-દેશ પાકિસ્તાનનું એશિયા કપ (Asia cup)માં સતત ત્રીજી વાર નાક કાપ્યું. યુદ્ધના રણમેદાનમાં ત્રણ દિવસમાં હરાવ્યા બાદ ભારતે દુબઈના રનમેદાનમાં પાકિસ્તાનને ત્રણેય મૅચમાં પછડાટ આપી.
ટીમ ઇન્ડિયાએ આ ફાઇનલ મૅચ બે બૉલ અને પાંચ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. પાકિસ્તાનને માત્ર 146 રન સુધી સીમિત રાખીને ભારતે તિલક વર્મા (69 અણનમ, 53 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સ અને શિવમ દુબે (33 રન, 22 બૉલ, બે સિક્સર, બે ફોર)ના સપોર્ટિંગ રોલની મદદથી એશિયા કપના ઇતિહાસમાં પહેલી જ વાર પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ શાનથી જીતી લીધી હતી.
ભારતે 5/150ના સ્કોર સાથે થોડી મુશ્કેલ લાગતી જીતને છેવટે આસાન બનાવી હતી. ફહીમ અશરફનો ત્રણ વિકેટનો પર્ફોર્મન્સ એળે ગયો હતો.

છેલ્લી ઓવરમાં ભારતે જીતવા 10 રન કરવાના હતા અને તિલકે પહેલા ત્રણ બૉલમાં નવ રન કર્યા બાદ રિન્કુએ વિનિંગ ફોર ફટકારી હતી. રઉફે 18મી ઓવર કરી હતી જેના અંતિમ બૉલમાં દુબેએ સિક્સર ફટકારીને ભારતીય ટીમ પરથી અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ પરથી બોજ હળવો કરી દીધો હતો.

ત્યાર બાદ ફહીમ અશરફના નાટક શરૂ થઈ ગયા હતા અને ભારતીય બૅટ્સમેનની એકાગ્રતા તોડવા બે વાર તે રન-અપ પર અટકી ગયો હતો. જોકે ટૂંકા બે્રક બાદ તેણે બોલિંગ કરી હતી જેમાં દુબેની વિકેટ પડતાં પહેલાં ભારતે જરૂરી સાત રન કરી લીધા હતા.
પાકિસ્તાનને 146 રન સુધી સીમિત રખાવવામાં કુલદીપ (ચાર વિકેટ), અક્ષર (બે વિકેટ), વરુણ (બે વિકેટ), બુમરાહ (બે વિકેટ)ના મુખ્ય યોગદાન હતા. સાહિબઝાદા (57 રન)ની હાફ સેન્ચુરી પાણીમાં ગઈ હતી.