સૂર્યકુમાર અને પાકિસ્તાની કેપ્ટન વચ્ચે માઈકની આપ-લે થઈ, પણ બંને હાથ મિલાવ્યા હતા?

દુબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના એશિયા કપના હાઇ-વૉલ્ટેજ મુકાબલાને આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે બન્ને ટીમના ખેલાડીઓને લઈને કોઈને કોઈ સાઈડ-સ્ટોરી વાઈરલ થઈ રહી છે.
જેમાં ખાસ કરીને આ ટૂર્નામેન્ટના તમામ કેપ્ટનો વચ્ચે યોજાયેલી પત્રકાર પરિષદ દરમ્યાન ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના સુકાની સલમાન આગા વચ્ચેની હળવી મુલાકાત વિશેની વાતો ખૂબ ચર્ચાસ્પદ થઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર, 14મી સપ્ટેમ્બરે (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી) દુબઈમાં એશિયા કપની લીગ મૅચ રમાશે.
દુબઈની પ્રેસ કૉન્ફરન્સમાં સ્ટેજ પર તમામ કેપ્ટનો બેઠા હતા અને એમાં સૂર્યકુમાર તથા સલમાન આગા વચ્ચે અફઘાનિસ્તાનનો કેપ્ટન રાશીદ ખાન બેઠો હતો. એક તબક્કે સલમાન અને સૂર્યકુમાર વચ્ચે માઈક (Mic)ની આપ-લે થઈ હતી જેની ક્ષણો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પત્રકાર પરિષદ પછી સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) તરત જ પાછળના દરવાજેથી નીકળી ગયો હતો. બીજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સલમાન આગા (Salman Agha)એ સૂર્યકુમાર સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.
જોકે આ પ્રેસ કૉન્ફરન્સમાં હાજર એક અખબારના પત્રકારે મીડિયામાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સૂર્યકુમાર અને સલમાન આગાએ ખૂબ જ ટૂંકમાં, ઉતાવળે અને હળવેકથી એકમેક સાથે હાથ મિલાવ્યા હતા.
આ પણ વાંચો…પાકિસ્તાન સાથે મેચ રમવી રાષ્ટ્રહિતમાં નથી તેવી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ

હકીકત છે કે સૂર્યકુમાર પાછલા દરવાજેથી જઈ રહ્યો હતો ત્યારે સલમાન આગા તેની સાથે થઈ ગયો હતો અને ત્યારે બંને એકબીજાની નજીક આવી ગયા ત્યારે સલમાને સૂર્યકુમાર સાથે હળવેકથી હાથ મિલાવ્યા હતા.
દુબઈની આ પત્રકાર પરિષદમાં ભારતથી ઘણા પત્રકારો આવ્યા હતા. પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશના પત્રકારોની સંખ્યા વધુ હતી, જ્યારે શ્રીલંકાના જર્નલિસ્ટોની સંખ્યા પણ ખૂબ ઓછી હતી.
આ પણ વાંચો…શૉકિંગઃ ભારત-પાકિસ્તાન મૅચની અમુક ટિકિટો હજી નથી વેચાઈ