જો આ ભૂલો નહીં સુધારે તો ફાઇનલમાં હારી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો વિગત

નવી દિલ્હીઃ એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં ભારતે બુધવારે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વર્તમાન ટી20 ચેમ્પિયન અને શરૂઆતથી આ ટુર્નામેન્ટમાં સૌથી મજબૂત ટીમ ગણાતી ભારતે કેટલીક એવી ભૂલો કરી છે, જે ફાઇનલમાં ભારે પડી શકે છે. સતત બીજી મેચમાં ભારતીય ટીમની ફિલ્ડિંગ કંગાળ રહી હતી.
પાકિસ્તાન સામે ભારતીય ખેલાડીઓએ ખરાબ ફિલ્ડિંગે સૌને ચોંકાવી દીધા હતા. ભારતીય ટીમે કુલ પાંચ કેચ છોડ્યા અને એક રનઆઉટનો મોકો પણ ગુમાવ્યો હતો. આ રીતે, તેણે વિકેટ લેવાની છ તકો છોડી હતી. જે ભારત જેવી ટીમની ગુણવત્તા પ્રમાણે ખૂબ જ નિરાશાજનક અને માફ ન કરી શકાય તેવી ભૂલો ગણી શકાય.
બાંગ્લાદેશ સામે પણ એ જ પાંચ ભૂલોનું પુનરાવર્તન
ત્યારે કદાચ દરેક વ્યક્તિએ વિચાર્યું હશે કે આ માત્ર એક મેચની વાત છે અને આગળ આવું નહીં થાય. પરંતુ, આગલી જ મેચમાં ટીમ ઇન્ડિયામાં કોઈ સુધારો દેખાયો નહીં અને આ વખતે ભારતીય ખેલાડીઓએ ફરીથી પાંચ કેચ છોડ્યા હતા. બાંગ્લાદેશ સામેની મેચમાં ભલે ભારતે જીત નોંધાવી, પરંતુ એકવાર ફરી તેની ફિલ્ડિંગથી ખૂબ જ નિરાશ કર્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે ચાર કેચ તો માત્ર એક જ બેટ્સમેનના છૂટ્યા હતા. આ બેટ્સમેન સૈફ હસન હતો, જેણે 69 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
સૌથી પહેલા જ્યારે સૈફ હસન 40 રન પર હતો, ત્યારે અક્ષર પટેલે પોતાની જ બોલ પર તેનો કેચ છોડ્યો, જે થોડો મુશ્કેલ હતો.
ત્યારબાદ વરુણ ચક્રવર્તીની ઓવરમાં તેમને બે વખત જીવનદાન મળ્યું હતું. પહેલા 65 રન પર શિવમ દુબેએ અને પછી 66 રન પર વિકેટકીપર સંજુ સેમસને જીવનદાન આપ્યું હતું. પછીની જ ઓવરમાં 67 રનના સ્કોર પર અભિષેક શર્માએ તેનો કેચ છોડ્યો હતો. આ ઉપરાંત, છેલ્લી ઓવરમાં કુલદીપ યાદવે નસુમ અહેમદનો કેચ પણ છોડ્યો હતો.
આમ, પાંચ વખત વિકેટ લેવાની તકો ગુમાવ્યા છતાં ટીમ ઇન્ડિયા આ મેચ જીતી હતી. જોકે, ફાઇનલમાં આ પ્રકારની એક પણ ભૂલ ટીમ ઇન્ડિયાને ભારે પડી શકે છે અને એશિયા કપ તેના હાથમાંથી સરકી શકે છે.

આપણ વાંચો: ભારત 41 રનથી જીતીને ફાઇનલમાંઃ શ્રીલંકા આઉટ