ટી-20 રૅન્કિંગમાં અભિષેક, વરુણ, હાર્દિક નંબર-વન પર અડીખમ, ગિલની સાત ક્રમની છલાંગ | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025સ્પોર્ટસ

ટી-20 રૅન્કિંગમાં અભિષેક, વરુણ, હાર્દિક નંબર-વન પર અડીખમ, ગિલની સાત ક્રમની છલાંગ

દુબઈઃ કોઈ એક ફૉર્મેટના બૅટિંગ, બોલિંગ અને ઑલરાઉન્ડ ત્રણેય કૅટેગરીમાં કોઈ એક જ દેશના ખેલાડીઓ નંબર-વન (Number one)ના સ્થાને હોય એવું અગાઉ જવલ્લે જ બન્યું હશે અને હાલમાં ભારત એ ગૌરવ માણી રહ્યું છે તથા બુધવારે ત્રણેય ભારતીય ખેલાડીઓએ એ મોખરાની રૅન્ક (Rank) જાળવી રાખી હતી. ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં હાલમાં બૅટિંગમાં અભિષેક શર્મા, બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને ઑલરાઉન્ડ પર્ફોર્મન્સમાં હાર્દિક પંડ્યા નંબર-વન છે.

આઇસીસી (ICC)એ જાહેર કરેલા ટી-20 ઇન્ટરનૅશનલ્સના નવા રૅન્કિંગ અનુસાર અભિષેક, વરુણ અને હાર્દિકે નંબર-વન રૅન્ક જાળવી રાખી છે ત્યારે શુભમન ગિલે બૅટિંગના રૅન્કિંગમાં સાત ક્રમની ઊંચી છલાંગ લગાવી છે. ગિલે એશિયા કપથી ટી-20 ટીમમાં કમબૅક કર્યું છે અને તેણે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં બે નિષ્ફળ ઇનિંગ્સને બાદ કરતા ખાસ કરીને એક ઇનિંગ્સમાં અણનમ 20 રન અને બીજી ઇનિંગ્સમાં 47 રન કર્યા હતા.

ગિલ અગાઉ 39મા નંબરે હતો અને હવે 574ના રેટિંગ સાથે 32મા સ્થાને આવી ગયો છે. તે ભારતીય ટી-20 ટીમનો વાઇસ-કૅપ્ટન છે.

બૅટિંગમાં અભિષેક અને ગિલ ઉપરાંત કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ પણ એક-એક સ્થાનનો સુધારો બતાવ્યો છે. સૂર્યકુમાર એક ક્રમ આગળ આવીને હવે 729ના રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર આવી ગયો છે. તિલક વર્મા પણ મિડલ-ઑર્ડરમાં ભારતીય ટીમ માટે સ્તંભ બની રહે એવો છે અને તે હવે 791ના રેટિંગ સાથે બૅટિંગના રૅન્કિંગમાં ત્રીજા નંબર પર આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે ટી-20માં ભારત હાલમાં નંબર-વન છે. વન-ડેમાં પણ ભારત અવ્વલ સ્થાને છે. ટી-20 ઉપરાંત વન-ડેની વાત કરીએ તો એ ફૉર્મેટના બૅટ્સમેનોમાં શુભમન ગિલ નંબર-વન છે, જ્યારે ટેસ્ટના બોલર્સમાં જસપ્રીત બુમરાહ નંબર-વન અને ટેસ્ટના ઑલરાઉન્ડર્સમાં રવીન્દ્ર જાડેજા નંબર-વન છે.

આપણ વાંચો:  શાહીન આફ્રિદીએ સૂર્યકુમારની ચોંકાવનારી ટિપ્પણી વિશે પત્રકારને કહ્યું, ` તેને બોલવા દો, ફાઇનલમાં અમે જોઈ લઈશું’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button