પાકિસ્તાનની ઐસી કી તૈસીઃ રવિવારે ભારત સામેની મૅચમાં પાયક્રૉફ્ટ જ મૅચ-રેફરી નિયુક્ત
પીસીબીએ પાયક્રૉફ્ટને ટૂર્નામેન્ટમાંથી કાઢી મૂકવા કહેલું, પણ આઇસીસીએ ફરી એની ટીમ સામે જ મૂક્યા

દુબઈઃ પાકિસ્તાન (Pakistan)ની ટીમ ગયા રવિવારે એશિયા કપ (Asia cup)ના લીગ મુકાબલામાં ભારત સામે સાત વિકેટે પરાજિત થયું એના કરતાં પાકિસ્તાનની વધુ મોટી નામોશી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ` હૅન્ડશેક’ના મુદ્દે જે નાટક કર્યું એને કારણે થઈ હતી અને હવે તો ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના એક નિર્ણયથી પીસીબીને જાણે દાઝ્યા પર ડામ મળ્યો છે. આઇસીસીએ રવિવાર, 21મી સપ્ટેમ્બરે ભારત સામે રમાનારી સુપર-ફોરની મૅચ માટે પણ ઍન્ડી પાયક્રૉફ્ટને જ મૅચ-રેફરી તરીકે નિયુક્ત કર્યા છે.
પીસીબીએ પાયક્રૉફ્ટને પોતાની કોઈ પણ મૅચમાં રેફરી તરીકે ન નીમવા આઇસીસીને વિનંતી કરી હતી અને એવું ન થાય તો એશિયા કપનો બહિષ્કાર કરવાની ધમકી પણ આપી હતી, પરંતુ આઇસીસીએ તેની એ વિનંતી ફગાવી દીધા પછી હવે પાયક્રૉફ્ટને જ ફરી પીસીબીની સામે મૂકીને ક્રિકેટમાં પોતે જ સર્વોપરી છે એવું આઇસીસીએ પીસીબીને ભાન કરાવી દીધું છે.
ટૂર્નામેન્ટના એક સૂત્રએ પીટીઆઇને કહ્યું હતું કે ` રવિવારની ભારત-પાક મૅચ માટે ઍન્ડી પાયક્રૉફ્ટ મૅચ-રેફરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.’
વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ બૅટ્સમૅન રિચી રિચર્ડસન પણ આ ટૂર્નામેન્ટ માટેના મૅચ-રેફરીની પૅનલમાં છે, પરંતુ રવિવારના મુકાબલા માટે પાયક્રૉફ્ટની જ નિમણૂંક કરવામાં આવી છે.
આ પણ વાંચો: કે. જી.ના વિદ્યાર્થીઓ પણ ન કરે એવું વર્તન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું હતુંઃ મુરલી કાર્તિક
પાયક્રૉફ્ટે ગયા રવિવારે ટૉસ વખતે સૂર્યકુમાર યાદવ સાથે હાથ ન મિલાવવા એવી જે સૂચના પાકિસ્તાનના સુકાની સલમાન આગાને આપી હતી એ પાકિસ્તાનને અપમાન જેવું લાગ્યું અને પીસીબીએ પાયક્રૉફ્ટ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. જોકે એક અહેવાલ મુજબ પાયક્રૉફ્ટને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના ટોચના હોદ્દેદારે મૅચની ચાર મિનિટ પહેલાં જ કહ્યું હતું કે બીસીસીઆઇએ ભારત સરકારની મંજૂરીથી એસીસીને કહેવડાવ્યું છે કે ટૉસ વખતે સૂર્યકુમાર અને સલમાન આગા એકમેક સાથે હાથ ન મિલાવે એ પ્રકારનો સંદેશ મેદાન પર જઈને આપવો. એ જોતાં, પાયક્રૉફ્ટે કોઈ જ રીતે આચારસંહિતાનો ભંગ નહોતો કર્યો અને આઇસીસીના માત્ર એક સંદેશવાહક તરીકેની ભૂમિકા જ ભજવી હતી.