નકવી સ્ટેજ પર રહ્યા એકલા, ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ન લીધી, ૨ કલાક ચાલ્યો હાઈ-વોલ્ટેજ ડ્રામા પણ અંતે ટ્રોફી કોણ લઈ ગયું? | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025Top News

નકવી સ્ટેજ પર રહ્યા એકલા, ટીમ ઈન્ડિયાએ ટ્રોફી ન લીધી, ૨ કલાક ચાલ્યો હાઈ-વોલ્ટેજ ડ્રામા પણ અંતે ટ્રોફી કોણ લઈ ગયું?

દુબઈ: ભારત અને પાકિસ્તાન જ્યારે પણ સામસામે હોય ત્યારે ચર્ચા ક્યારેક અટકે નહિ. જ્યારે આ મુકાબલો એશિયા કપ ફાયનલનો હોય એટલે તે હેડલાઇનમાં રહે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારત-પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૫ ફાઇનલ જીત્યા બાદ, ટીમ ઇન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીના હાથેથી એશિયા કપની ટ્રોફી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ ડ્રામા લગભગ ૨ કલાક સુધી ચાલ્યો હતો. ત્યારબાદ મોહસિન નકવી ત્યાંથી ચાલ્યા ગયા અને ટ્રોફી પણ કોઈ લઈ ગયું હોવાનો આરોપ લાગ્યો હતો.

ભારતીય ટીમ મેનેજમેન્ટે પૂછ્યું હતું કે ટ્રોફી કોણ આપશે અને એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં આંતરિક વાતચીત શરૂ થઈ ગઈ, કારણ કે તેમને ખબર હતી કે ભારતીય ટીમ નકવી પાસેથી ટ્રોફી લેવાનું પસંદ કરશે નહીં. નકવી જ્યારે સ્ટેજ પર આવ્યા, ત્યારે પ્રેક્ષકોમાંથી ભારતીય પ્રશંસકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. જેવા નકવી સ્ટેજ પર આવ્યા, તેમને કહેવામાં આવ્યું કે ભારતીય ટીમ તેમની પાસેથી ટ્રોફી નહીં લે અને જો તેઓ જબરદસ્તી કરશે તો સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવશે. નકવી રાહ જોતા રહ્યા અને અચાનક આયોજકોમાંથી કોઈક વ્યક્તિ ટ્રોફીને ડ્રેસિંગ રૂમની અંદર લઈ ગયું હતું.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવજીત સૈકિયાએ મોહસિન નકવી પર આરોપ લગાવ્યો છે કે તે એશિયા કપની ટ્રોફીની સાથે સાથે ટીમ ઇન્ડિયાના મેડલ પણ લઈને ગયા છે. આ બાબતે BCCI આવતા મહિને યોજાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની બેઠકમાં નકવી વિરુદ્ધ વિરોધ નોંધાવશે.

ભારતીય ખેલાડીઓએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. નકવી સતત ભારતીય ટીમની રાહ જોતા રહ્યા, પરંતુ એક પણ ખેલાડી સ્ટેજ પર ન આવ્યો. નકવી રાહ જોતા રહ્યા અને પછી કોઈ વ્યક્તિ ટ્રોફીને ડ્રેસિંગ રૂમની અંદર લઈ ગયું. તેની સામે, બીજી બાજુ પાકિસ્તાની ટીમ પણ મેચ પૂરી થયાના એક કલાક પછી પણ ડ્રેસિંગ રૂમમાંથી બહાર નહોતી આવી. પીસીબીના ચીફ નકવી એકલા ઊભા રહીને શરમજનક પરિસ્થિતિ સહન કરતા રહ્યા. ત્યારબાદ જ્યારે પાકિસ્તાની ટીમ બહાર આવી, ત્યારે ભારતીય ચાહકોએ “ઇન્ડિયા-ઇન્ડિયા”ના નારા લગાવ્યા હતા.

મેચ પૂરી થયા પછી પણ ભારતીય ખેલાડીઓએ તેમની ઉજવણીમાં જરાય ઓછું આવવા નહોતું દીધું. હાર્દિક પંડ્યાએ કેપ્ટન રોહિત શર્માની નકલ કરીને મજેદાર અંદાજમાં ટ્રોફી તરફ વોક કર્યું હતું, જેના પર આખી ટીમ પેટ પકડીને હસ્યાં હતા. ખેલાડીઓએ મેદાનમાં ખૂબ નાચ્યા હતા અને જીતનો આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો…પાકિસ્તાન નહીં સુધરે! હવે નવા નાટકમાં આ ભારતીય ખેલાડી વિરુદ્ધ કરી ફરિયાદ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button