બાંગ્લાદેશ ભારે રસાકસીમાં જીત્યું, અફઘાનિસ્તાનને હજી મોકો | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

બાંગ્લાદેશ ભારે રસાકસીમાં જીત્યું, અફઘાનિસ્તાનને હજી મોકો

અબુ ધાબીઃ એશિયા કપમાં મંગળવારે ગ્રૂપ બી’ના રસાકસીભર્યા મુકાબલામાં બાંગ્લાદેશ (20 ઓવરમાં 5/154)એ અફઘાનિસ્તાન (20 ઓવરમાં 10/146) સામે આઠ રનથી રોમાંચક વિજય મેળવીને સુપર-ફોર માટેની આશા જીવંત રાખી હતી. શ્રીલંકા આ ગ્રૂપમાંથી સુપર-ફોરમાં પહોંચી ગયું છે. અફઘાનિસ્તાન (Afghanistan)ને સુપર-ફોરમાં પહોંચાડવામાં ગુરબાઝના 35 રન અને ઓમરઝાઈના 30 રનના નાના યોગદાન ઉપયોગી સાબિત થઈ શક્યા હોત, શરૂઆતમાં 18 રનમાં બે વિકેટ ગુમાવનાર અફઘાનિસ્તાને રમતની અંતિમ પળોમાં બે બૉલમાં રાશીદ ખાન તથા ગઝનફરની વિકેટ ગુમાવી દઈને પરાજય વહોરી લીધો હતો.

એ પહેલાં, અફઘાનિસ્તાનની બે વિકેટ બાદ 51મા રન પર ફરી ઝટકા લાગવાના શરૂ થયા હતા અને વિકેટો પડવાની શરૂઆત થઈ ગઈ હતી. 51ના સ્કોર પર પડેલી ત્રીજી વિકેટ બાદ 77મા રન સુધીમાં બીજી બે વિકેટ પડી ગઈ હતી.

બાંગ્લાદેશ (BANGLADESH)ની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 154 રન બનાવી શકી હોવાથી અફઘાનિસ્તાનને 155 રનનો સાધારણ ટાર્ગેટ મળ્યો હતો. છેવટે બાંગ્લાદેશે આઠ રનથી વિજય મેળવી લીધો હતો. મુસ્તફિઝુર રહમાને ત્રણ અને તસ્કિને બે વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ માટે આ મૅચ કરો યા મરો’ જેવી છે.

બાંગ્લાદેશના 154 રનમાં તેન્ઝિદ હસનના બાવન રન હાઇએસ્ટ હતા. અફઘાનિસ્તાન વતી સ્પિનર્સ રાશીદ ખાન અને નૂર અહમદે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button