એશિયા કપની ટ્રોફી કેમ ન સોંપી?’ રાજીવ શુક્લાના જવાબમાં નકવીએ કહ્યું, હું ત્યાં કાર્ટૂનની જેમ ઊભો હતો’

એસીસીના પાકિસ્તાની ચીફ ટીમ ઇન્ડિયાની ટ્રોફી આપવા હજી સહમત નથી થયા
દુબઈઃ બીસીસીઆઇના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV Shukla)એ અહીં મંગળવારે એશિયા કપની આયોજક સંસ્થા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચીફ અને રવિવારે ભારતના ફાઇનલ-વિજય બાદ ચૅમ્પિયન ભારતીય ટીમને ટ્રોફી તથા મેડલથી વંચિત રાખનાર મોહસિન નકવીને એસીસીની મીટિંગમાં તીખા સવાલો પૂછ્યા હતા જેના નકવીએ ઉપરછલ્લા અને ઉડાઉ જવાબ આપ્યા હતા. શુક્લાએ તેમને સીધો સવાલ પૂછ્યો હતો કે વિજેતા ભારતીય ટીમને ટ્રોફી કેમ નહોતી સોંપાઈ?' નકવી (NAQVI)એ જવાબમાં કહ્યું,
હું તો ત્યાં કાર્ટૂનની જેમ ઊભો હતો.’
નકવીનો કહેવાનો અર્થ એ હતો કે તેઓ ફાઇનલ બાદ દુબઈના મેદાન પર આવીને ઊભા હતા છતાં તેમના હાથે ટ્રોફી સ્વીકારવાની ભારતીય ટીમે મનાઈ કરી હતી. નકવી ભારતના દુશ્મન-દેશ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના ચીફ તેમ જ પાકિસ્તાનના આંતરિક બાબતોને લગતા ખાતાના પ્રધાન પણ છે.
આ પણ વાંચો: ભારત સામે પાકિસ્તાનની કોઈ બરાબરી જ નથી, આપણી ટીમ સામે એ ટકવાને લાયક જ નથીઃ તિલક વર્મા…
રાજીવ શુક્લાએ નકવીને કહ્યું, ` ટ્રોફી કંઈ કોઈ વ્યક્તિની અંગત સંપત્તિ નથી, પણ એ આઇસીસીની ટ્રોફી છે જે યોગ્ય રીતે અને સત્તાવાર રીતે ચૅમ્પિયન ટીમને સોંપાવી જ જોઈતી હતી. એસીસીએ આ ઘટનાને તરત ધ્યાનમાં લેવી જોઈએ અને ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ.’
મોહસિન નકવીએ રાજીવ શુક્લાના સવાલના જવાબમાં રવિવારની ઘટના બાબતમાં પોતાના ગેરવર્તનનો બચાવ કરતા કહ્યું, ` હું તો મૅચ પછી મેદાન પર કારણ વગર કાર્ટૂનની માફક ઊભો હતો. એસીસીને લેખિતમાં જાણકારી કરાઈ જ નહોતી કે ભારતીય ટીમ મારા હાથે ટ્રોફી નહીં સ્વીકારે.’
આ પણ વાંચો: ભારત સામે કારમી હાર પછી સલમાન અલી આગાએ રનર-અપનો ચેક ફેંક્યો, વીડિયો વાયરલ…
ભારતીય પ્રતિનિધિઓએ એસીસીની મીટિંગમાં આકરા સવાલ પૂછ્યા તો નકવીએ ટ્રોફી આપવા સહમતી દર્શાવવાને બદલે જવાબમાં કહ્યું કે આ મુદ્દે હવે પછીની ચર્ચા અહીં નહીં, પણ અન્ય મંચ પર થશે.’
સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમે રવિવારે ટ્રોફી માટે લગભગ પોણા કલાક સુધી રાહ જોયા બાદ વર્ચ્યુઅલ ટ્રોફી સાથે ચૅમ્પિયનપદનું સેલિબ્રેશન કરીને અસંખ્ય પ્રેક્ષકોની હાજરીમાં માહોલ ફરી જીવંત અને અભૂતપૂર્વ બનાવી દીધો હતો.