40 વર્ષના નબીની 6, 6, 6, 6, 6ની આતશબાજી પછી અફઘાનિસ્તાન આઉટ

અબુ ધાબીઃ અહીં એશિયા કપમાં ગ્રૂપ ` બી’ની અંતિમ લીગ મૅચમાં અફઘાનિસ્તાન (20 ઓવરમાં 8/169)ને શ્રીલંકા (18.4 ઓવરમાં 4/171)એ હરાવી દેતાં ટી-20 વર્લ્ડ કપનું સેમિ ફાઇનલિસ્ટ અફઘાનિસ્તાન સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયું હતું અને શ્રીલંકાની સાથે બાંગ્લાદેશ સુપર-ફોર રાઉન્ડમાં પહોંચી ગયું હતું. વિકેટકીપર-બૅટ્સમૅન કુસાલ મેન્ડિસે (74 અણનમ, બાવન બૉલ, 10 ફોર) સૌથી મોટા યોગદાન સાથે શ્રીલંકાને રોમાંચક વિજય અપાવ્યો હતો.
અફઘાનિસ્તાનના બોલર્સમાં મોહમ્મદ નબી સહિત ચાર બોલરને એક-એક વિકેટ મળી હતી. શ્રીલંકા (SriLanka) છ પૉઇન્ટ અને બાંગ્લાદેશ ચાર પૉઇન્ટ સાથે સુપર-ફોર (super-4)માં ગયા છે.
શ્રીલંકાની ઇનિંગ્સ પહેલાં અફઘાનિસ્તાને બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન કર્યા હતા. 40 વર્ષનો મોહમ્મદ નબી (60 રન, બાવીસ બૉલ, છ સિક્સર, ત્રણ ફોર) આ ઇનિંગ્સનો સુપરસ્ટાર હતો. તેણે સ્પિનર વેલાલાગેની 20મી ઓવરમાં લાગલગાટ પાંચ સિક્સર ફટકારી હતી.
વેલાલાગેની એ કમનસીબ ઓવરના પહેલા પાંચ બૉલમાં એક નો-બૉલ હતો એટલે નો-બૉલના એક રનને બાદ કરતા તેણે (6, 6, 6, 1 (નો-બૉલ), 6, 6) સતત પાંચ બૉલમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તે અંતિમ બૉલ પર રનઆઉટ થયો હતો. વેલાલાગેની એ ઓવરમાં કુલ 32 રન બન્યા હતા. શ્રીલંકાના નુવાન થુશારાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.