T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: સાઉથ આફ્રિકા ફાઇનલ જીતીને કયો વિશ્વ વિક્રમ કરી શકે?

બ્રિજટાઉન: શનિવાર, 29મી જૂને સાઉથ આફ્રિકા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે. મેન્સ આઇસીસી વિશ્ર્વ કપની ફાઇનલમાં પહેલી જ વાર પહોંચવાની સિદ્ધિ મેળવનાર એઇડન માર્કરમની ટીમને વધુ એક મોટી જ નહીં, પણ અનેરી સિદ્ધિ મેળવવાની તક છે.

માર્કરમની ટીમ ઐતિહાસિક ટ્રોફીથી એક જ ડગલું દૂર છે. જો આ ટીમ ફાઇનલ જીતી લેશે તો ટી-20 વર્લ્ડ કપની એક ટૂર્નામેન્ટમાં અપરાજિત રહીને ચૅમ્પિયનપદ મેળવનારી સૌથી પહેલી ટીમ બનશે. અત્યાર સુધીમાં ભારત સહિત જે પણ દેશ ટી-20 વર્લ્ડ કપ જીત્યો છે એની ટીમે એ ચૅમ્પિયનપદવાળી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહીને ટ્રોફી નહોતી મેળવી, પરંતુ સાઉથ આફ્રિકા એ સિલસિલો હવે તોડી શકે.

આ પણ વાંચો : રાશિદના વર્તનથી નૉકિયા ભડક્યો, ક્રોધ ઠાલવ્યો અને પછી તેનું સ્ટમ્પ ઉખાડ્યું!

સાઉથ આફ્રિકાની સિનિયર નૅશનલ ટીમ અત્યાર સુધીમાં ક્યારેય કોઈ આઇસીસી ટ્રોફી નથી જીતી શકી. 2014માં માર્કરમના સુકાનમાં સાઉથ આફ્રિકાની અન્ડર-19 ટીમ વન-ડેના વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બની હતી, પરંતુ દેશની મુખ્ય ક્રિકેટ ટીમ ક્યારેય કોઈ મોટી ટૂર્નામેન્ટ નથી જીતી શકી.

ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 56 રનમાં આઉટ કર્યા બાદ નવ ઓવરની અંદર એક વિકેટના ભોગે 60 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.

અફઘાનિસ્તાનની 16 રનમાં ત્રણ વિકેટ લેનાર સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર માર્કો યેનસેનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button