T20 World Cup: વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 20.42 કરોડ રૂપિયા
રનર-અપને 10.67 કરોડ રૂપિયાનું બીજું ઇનામ મળશે
બ્રિજટાઉન (બાર્બેડોઝ): આઇસીસી દ્વારા અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં આયોજિત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતનારી ટીમને તથા રનર-અપ ટીમને તેમ જ અન્ય ટીમોને આઇસીસી તરફથી અપાનારી ઇનામીરકમની આ ટૂર્નામેન્ટ પહેલાં જ જાહેરાત થઈ ચૂકી હતી. જોકે આજે ફાઇનલ નિમિત્તે ફરી એકવાર પ્રાઇઝ-મની પર નજર કરી લઈએ તો વિજેતા ટીમને 20.42 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ અને રનર-અપ ટીમને 10.67 કરોડ રૂપિયાનું બીજું ઇનામ આપવામાં આવશે.
ભારત અને સાઉથ આફ્રિકા, બન્ને અપરાજિત ટીમ ફાઇનલમાં સામસામે આવી છે અને ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આવું પહેલી જ વાર બન્યું છે.
આઇસીસીએ આખી ટૂર્નામેન્ટ માટે કુલ મળીને 93.80 કરોડ રૂપિયાની કુલ ઇનામી રકમ ફાળવવાનું નક્કી કર્યું છે.
આ સ્પર્ધામાં કુલ મળીને 20 દેશની ટીમે ભાગ લીધો.
આઇસીસી તરફથી કોને કેટલું ઇનામ:
(1) ચૅમ્પિયન ટીમને 20.42 કરોડ રૂપિયા
(2) રનર-અપ ટીમને 10.67 કરોડ રૂપિયા
(3) ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન સેમિ ફાઇનલમાં પરાજિત થયા, બન્નેમાંથી દરેક ટીમને 6.56 કરોડ રૂપિયા
(4) બીજા રાઉન્ડ (સુપર-એઇટ રાઉન્ડ)માં આઉટ થઈ જનારી પ્રત્યેક ટીમને 3.18 કરોડ રૂપિયા
(5) 9-12 ક્રમ વચ્ચે રહેનાર ચાર ટીમને (દરેક ટીમને) 2.06 કરોડ રૂપિયા
(6) 13-20 ક્રમ વચ્ચે રહેનાર આઠ ટીમને (દરેક ટીમને) 1.87 કરોડ રૂપિયા.