T20 World Cup: ટચૂકડા પીએનજી સામે જીતતા ભૂતપૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝના નાકે દમ આવી ગયો!
વર્લ્ડ કપમાં મેજર અપસેટ થતાં રહી ગયો: રોસ્ટન-રસેલની જોડીએ આબરૂ સાચવી
પ્રોવિડન્સ (ગયાના): યજમાન વેસ્ટ ઇન્ડિઝે (West Indies) રવિવારે ટી-20 વર્લ્ડ કપના લીગ મુકાબલામાં પાપુઆ ન્યુ ગિની (PNG)ને છ બોલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવ્યું હતું. વરસાદના વિઘ્નવાળી આ મૅચમાં કેરિબિયન ટીમે જીતવા ફક્ત 137 રન બનાવવાના હતા. એક તબક્કે વેસ્ટ ઈન્ડિઝે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને 24 બોલમાં 40 રન બનાવવાના હતા. પીએનજીને જીતવાનો થોડો મોકો હતો. જોકે રૉસ્ટન ચેઝ અને આન્દ્રે રસેલે આતશબાજીથી વેસ્ટ ઈન્ડિઝને 18 બોલમાં ટાર્ગેટ અપાવી દીધો હતો.
સૌથી પહેલાં તો પીએનજીએ 2012 તથા 2016માં ટાઈટલ જીતનાર ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝના બોલર્સનો હિંમત અને સમજદારીથી સામનો કરીને 20 ઓવર પૂરી કરી હતી અને એમાં આઠ વિકેટ 136 રન બન્યા હતા. એમાં સેસે બૉઉના 50 રન હાઈએસ્ટ હતા. એમાં તેની એક સિક્સર તથા છ ફોર સામેલ હતી. આન્દ્રે રસેલ અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી.
137 રનનો નાનો લક્ષ્યાંક મેળવતાં પહેલાં એક તબક્કે વેસ્ટ ઇન્ડીઝે 97 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને એમાં વર્લ્ડ ક્લાસ બેટર્સ નિકોલસ પૂરન અને કેપ્ટન રોવમેન પૉવેલનો પણ સમાવેશ હતો. પૂરનની વિકેટ પીએનજીના લેફ્ટ આર્મ સ્પિનર જૉન કૅરિકોએ અને પૉવેલની વિકેટ ફાસ્ટ બોલર શૅડ સૉપરે લીધી હતી. જોકે પીએનજીની એક પણ વિકેટ ન લઈ શકનાર રોસ્ટન ચેઝ (42 અણનમ, 27 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને બોલિંગમાં બે વિકેટનો તરખાટ મચાવી ચૂકેલા રસેલ (15 અણનમ, 9 બૉલ, એક સિક્સર)ની જોડીએ 40 રનની અતૂટ ભાગીદારીથી વેસ્ટ ઇન્ડીઝને જીતાડી દીધું હતું. રસેલે અઠવાડિયા પહેલાં જ કોલકાતાને આઈપીએલનું ટાઇટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
જીત વખતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 19 ઓવરમાં પાંચ વિકેટે 137 રન હતો. એ સાથે, વેસ્ટ ઈન્ડિઝની ટીમે વિજય બદલ બે પોઇન્ટ મેળવ્યા હતા. રોસ્ટન ચેઝને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
Also Read –