T20 World Cup: ન્યૂ ઝીલૅન્ડના વર્લ્ડ-ક્લાસ બોલરની જાહેરાત, ‘આ મારો છેલ્લો ટી-20 વર્લ્ડ કપ છે’
ટારૌબા (ટ્રિનિદાદ): અહીંના બ્રાયન લારા સ્ટેડિયમમાં શુક્રવારે યુગાન્ડા સામે મૅચવિનિંગ (સાત રનમાં બે વિકેટ) બોલિંગ પર્ફોર્મન્સ બાદ ન્યૂ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટે (Trent Boult) પત્રકારો સમક્ષ જાહેર કર્યું હતું કે આ તેનો છેલ્લો ટી-20 વર્લ્ડ કપ છે.
ન્યૂ ઝીલૅન્ડ આ વખતના વર્લ્ડ કપમાં અત્યંત ખરાબ રમ્યું અને પહેલી બે મૅચ હારી જવાને કારણે સુપર-એઇટ રાઉન્ડમાં નથી પહોંચી શક્યું અને સ્પર્ધાની બહાર થઈ ગયું છે. જોકે બૉલ્ટનો પર્ફોર્મન્સ પ્રશંસનીય રહ્યો છે. તેણે ત્રણ મૅચમાં સાત વિકેટ લીધી છે. ટી-20 વર્લ્ડ કપમાં કુલ 17 મૅચમાં 32 વિકેટ લઈ ચૂકેલા 34 વર્ષના બૉલ્ટનો 6.07નો ઇકોનોમી-રેટ ટી-20 વર્લ્ડ કપના ઑલ-ટાઇમ વિકેટ-ટેકર્સના ટૉપ-ટેનમાં સામેલ છે.
બે વર્ષ પહેલાં બૉલ્ટને તેના ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી છૂટો કરી દીધો ત્યાર પછી તે ન્યૂ ઝીલૅન્ડ વતી ભાગ્યે જ રમતો જોવા મળ્યો છે. હવે પછીનો ટી-20 વર્લ્ડ કપ 2026માં અને વન-ડેનો વર્લ્ડ કપ 2027માં રમાવાનો છે.
બૉલ્ટ હવે પછી ટી-20ના વર્લ્ડ કપમાં નહીં રમે એ જોતાં કિવીઓની ટીમમાં તેનું સ્થાન કયો ફાસ્ટ બોલર લેશે એ વિચારવાનો વિષય છે. બૉલ્ટની ગણના વિશ્ર્વના ગ્રેટેસ્ટ-એવર ફાસ્ટ બોલર્સમાં થાય છે.
બૉલ્ટ ઉપરાંત ટિમ સાઉધીએ પણ ન્યૂ ઝીલૅન્ડને ઘણી મૅચો જિતાડી આપી છે. ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં મોટી ઉંમરના ઘણા ખેલાડીઓ છે. વર્તમાન ટીમમાં માર્ક ચૅપમૅન, ગ્લેન ફિલિપ્સ, રાચિન રવીન્દ્ર સહિત માત્ર ત્રણ ખેલાડી 30થી ઓછી ઉંમરના છે. બાકીના 12 ખેલાડી 30-પ્લસ છે.
Also Read –