T20 World Cup: ટીમ ઇન્ડિયા Team Indiaના પ્રથમ બૅચના ખેલાડીઓ ન્યૂ યૉર્ક જવા રવાના થયા, પણ હાર્દિક એમાં ન દેખાયો!

મુંબઈ: શનિવારે રાત્રે એક તરફ ચેન્નઈમાં શ્રેયસ ઐયરના સુકાનમાં કોલકાતાની ટીમ અને પૅટ કમિન્સની કૅપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમ રવિવારની આઇપીએલની ફાઇનલ માટેની તૈયારીઓમાં વ્યસ્ત હતી ત્યારે મુંબઈમાં ભારતીય ક્રિકેટ ટીમના અમુક ખેલાડીઓ આગામી ટી-20 વર્લ્ડ કપમાં કમાલ બતાવવાના મનસૂબા સાથે ન્યૂ યૉર્ક જવાની તૈયારીમાં હતા. રોહિત શર્માના સુકાનમાં અમુક પ્લેયરો ન્યૂ યૉર્ક જવા રવાના થયા છે, જ્યારે બાકીના ખેલાડીઓ બે-ત્રણ દિવસમાં જશે. મહત્ત્વની વાત એ છે કે આ ખેલાડીઓના આ પ્રથમ બૅચમાં વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યા નજરે નહોતો પડ્યો.
હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા સ્ટૅન્કોવિચ વચ્ચે ડિવૉર્સ થવાની અફવા થોડા દિવસથી ખૂબ ચર્ચામાં છે.
અમેરિકામાં પહેલી જૂને ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે જેમાં પ્રથમ મૅચ (ભારતીય સમય મુજબ રવિવાર, બીજી જૂને સવારે 6.00 વાગ્યાથી લાઇવ) અમેરિકા અને કૅનેડા વચ્ચે રમાશે. એ જ દિવસે બીજી મૅચ (ભારતીય સમય મુજબ રવિવાર, બીજી જૂને રાત્રે 8.00 વાગ્યાથી લાઇવ) ટૂર્નામેન્ટના સહ-યજમાન વેસ્ટ ઇન્ડિઝ અને પાપુઆ ન્યૂ ગિની (પીએમજી) વચ્ચે રમાશે.
શનિવારે રાત્રે રોહિત અને તેના અમુક સાથીઓ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતે પરિવારજનો, મિત્રો અને ચાહકોની શુભેચ્છાઓ મેળવ્યા બાદ બુલંદ ઉત્સાહ સાથે રવાના થયા હતા. સુકાની રોહિતની સાથે વિકેટકીપર રિષભ પંત, બૅટર સૂર્યકુમાર યાદવ, ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, સ્પિનર કુલદીપ યાદવ, પેસ બોલર મોહમ્મદ સિરાજ તેમ જ ઑલરાઉન્ડર શિવમ દુબે, વગેરે ખેલાડીઓ તેમ જ કોચિંગ સ્ટાફના મેમ્બર્સ હતા.
ટીમ ઇન્ડિયાના કોચિંગ-સ્ટાફમાં હેડ-કોચ રાહુલ દ્રવિડ, બોલિંગ-કોચ પારસ મ્હામ્બ્રે, બૅટિંગ-કોચ વિક્રમ રાઠોર અને ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપ સામેલ છે.
પ્લે-ઑફના એલિમિનેટરમાં રાજસ્થાન સામે પરાસ્ત થતાં સ્પર્ધાની બહાર થઈ ગયેલી બેન્ગલૂરુની ટીમનો વિરાટ કોહલી બીજા બૅચમાં ન્યૂ યૉર્ક જવા રવાના થશે. આ બીજા બૅચમાં સંજુ સૅમસન, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ, રિન્કુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહમદ, આવેશ ખાન તેમ જ હાર્દિક પંડ્યાનો સમાવેશ હશે.
ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ:
રોહિત શર્મા (કૅપ્ટન), હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), સંજુ સૅમસન (વિકેટકીપર), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
રિઝર્વ ખેલાડીઓ: શુભમન ગિલ, રિન્કુ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન.