T20 World Cupમાં 12 વર્ષે ફરી સુપર ઓવરનો ધમાકો
મૅચ ટાઈ કરાવી ઓમાને અને છેલ્લે જીતી ગયું નામિબિયા: ડેવિડ વિસ સુપર હીરો
બ્રિજટાઉન (બાર્બાડોઝ): ટી-20 વર્લ્ડ કપમાં આજે બે નાના દેશો વચ્ચેની મેચમાં ખૂબ રસાકસી થઈ હતી અને એમની વચ્ચેની મૅચ ઐતિહાસિક ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ગઈ હતી જેમાં આફ્રિકન દેશ નામિબિયાનો વિજય થયો હતો. સૌથી ટૂંકા ફોર્મેટના આ વર્લ્ડ કપમાં છેક 12 વર્ષે ફરી એક વાર સુપર ઓવર જોવા મળી.
ખરેખર તો મધ્ય પૂર્વના દેશ ઓમાનની ટીમના રોમાંચક પર્ફોર્મન્સને કારણે આ મેચ દિલધડક ટાઇમાં પરિણમી હતી, પરંતુ નામિબિયાએ તક ઝડપીને સુપર ઓવરમાં મેચ જીતી લીધી હતી.
ઓમાનની ટીમે બેટિંગ મળ્યા પછી ફક્ત 109 રન બનાવ્યા હતા. નામિબિયાના ફાસ્ટ બોલર રુબેન પેલમને ચાર વિકેટ, અગાઉ સાઉથ આફ્રિકા વતી અને આઈપીએલમાં રમી ચૂકેલા પેસ બોલર ડેવિડ વિસે ત્રણ વિકેટ તેમ જ કેપ્ટન-ઑફ સ્પિનર જેરાર્ડ ઇરેસમસે બે વિકેટ લીધી હતી.
નામિબિયાની ટીમ 110 રનનો ટાર્ગેટ આસાનીથી મેળવી શકે એમ હતી. જોકે છેલ્લી ઓવરમાં બાજી ફરી ગઈ હતી. એ 20મી ઓવરમાં નામિબિયાએ જીતવા માત્ર પાંચ રન બનાવવાના હતા. ત્યારે સ્કોર 105/4 હતો. ઓમાનના કેપ્ટન અકિબ ઇલ્યાસે એ ઓવરની જવાબદારી 37 વર્ષના પેસ બોલર મેહરાન ખાનને સોંપી હતી. તેણે પહેલા અને ત્રીજા બોલમાં વિકેટ લેતાં જ નામિબિયાની છાવણીમાં સોપો પડી ગયો હતો. એ તબક્કે નામિબિયાએ ત્રણ બોલમાં પાંચ રન બનાવવાના બાકી હતા. જોકે ફક્ત ચાર રન બની શક્યા એટલે બંને ટીમનો સ્કોર લેવલ (109/10 અને 109/6) થઈ ગયો હતો. મેચ ટાઈ થઈ હતી.
આ પહેલાં ટી-20 વર્લ્ડ કપમાં 2012ની સાલમાં વેસ્ટ ઈન્ડિઝ અનેન્યૂ ઝીલેન્ડ વચ્ચેની મૅચ ટાઈ થઈ હતી.
આજન્સ મુકાબલામાં આ તો હજી ટ્રેલર હતું, ખરું પિક્ચર હવે શરૂ થવાનું હતું. મેચને ટાઈમાં લઈ ગયા બાદ ઓમાનની ટીમને જીતવાનો મોકો હતો. નામિબિયાના બેટર્સ ડેવિડ વિસ અને ઇરેસમસે પણ પૂરતી તક ઝડપી લીધી હતી. તેમના ત્રણ ચોક્કા અને એક છગ્ગાની મદદથી નામિબિયાએ વિના વિકેટે 21 રન કર્યા હતા. ત્યાર બાદ ઓમાનને જીતતું રોકવા નામિબિયાના કેપ્ટન ઇરેસમસે ડેવિડ વિસને નિર્ણાયક ઓવરની જવાબદારી આપી હતી. ઓમાનની ટીમે એ ઓવરમાં જીતવા 22 રન બનાવવાના હતા, પરંતુ ફક્ત 10 રન થયા હતા અને એમાં એક વિકેટ પણ પડી હતી.
મેચને ટાઈમાં લઈ જવાની ઓમાનની બધી મહેનત છેવટે સુપર ઓવરમાં પાણીમાં ગઈ હતી.
મુખ્ય મેચમાં તેમ જ સુપર ઓવરમાં શાનદાર પર્ફોર્મન્સ બદલ ડેવિડ વિસને મૅન ઓફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
નામિબિયાને વિજય બદલ બે પોઈન્ટ્સ મળ્યા હતા. આ ટીમના ગ્રૂપ ‘બી’માં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ છે.
Also Read –