T20 World Cup: દક્ષિણ આફ્રિકાનો પ્રખ્યાત ભવિષ્યવેતા કહે છે કે આજે આ દેશ તાજ જીતશે…

ડરબન: ‘પૉલ ધ ઑક્ટોપસ’ યાદ છેને? 2010માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં આ ઑક્ટોપસ પાસે કરાવવામાં આવેલી બધી ભવિષ્યવાણી સાચી પડી હતી. એ વિશ્ર્વ કપમાં સ્પેન ચૅમ્પિયન બન્યું હતું અને નેધરલૅન્ડ્સ રનર-અપ હતું. જર્મની ત્રીજી નંબરે અને ઉરુગ્વે ચોથા નંબર પર હતું. ઑક્ટોપસની તમામ આગાહી સાચી પડી હતી. એ ખ્યાતનામ દરિયાઈ પ્રાણીનું તો ઑક્ટોબર, 2010ની સાલમાં (14 વર્ષ પહેલાં) મૃત્યુ થયું હતું, પણ કરોડો ફૂટબૉલપ્રેમી હજી આજે પણ તેને યાદ કરે છે. દક્ષિણ આફ્રિકાનો દેશ પણ ત્યારથી ખેલજગતમાં પ્રખ્યાત થઈ ગયો છે. આ વખતે (ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં) દક્ષિણ આફ્રિકા હોવાથી એઇડન માર્કરમ અને તેની ટીમના દેશમાં ભવિષ્યવેતાઓ સક્રિય થઈ ગયા છે જેમાંના બે ભવિષ્યવેતા કહે છે કે ભારત સામેની ફાઇનલ દક્ષિણ આફ્રિકા જ જીતશે.
પૉલ ઑક્ટોપસનો જન્મ જાન્યુઆરી, 2008માં ઇંગ્લૅન્ડમાં થયો હતો, પરંતુ પછીથી તેને જર્મનીના ઍક્વેરિયમમાં લઈ જવામાં આવ્યો હતો.
દક્ષિણ આફ્રિકામાં દવાથી નહીં, પણ પ્રાકૃતિક શક્તિઓથી રોગનો નાશ કરવા માટે તેમ જ ભવિષ્યવાણી કરવા માટે જાણીતી વ્યક્તિ સૅન્ગોમા તરીકે ઓળખાય છે.
મખોસી મન્ડલા નામના સૅન્ગોમાએ ભવિષ્યવાણી કરી છે કે ‘ભારત સામેની ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ દક્ષિણ આફ્રિકા જીતશે. તેમણે એક સ્થાનિક ચૅનલને ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘બહુ સ્પષ્ટ છે. પૂર્વજોની આકાશવાણી થઈ છે જેમાં તેમનું એવું સ્પષ્ટપણે કહેવું છે કે દક્ષિણ આફ્રિકા ફાઇનલ જીતી જશે.’
આ પણ વાંચો : …તો રોહિત શર્મા બાર્બેડોઝના દરિયામાં ઝંપલાવશે: જુઓ રમૂજમાં આવું કોણે કહ્યું
મન્ડલાએ મુલાકાતમાં એવું પણ કહ્યું કે ‘મેં ત્રણ વખત અસ્થિ ફેંક્યા જેમાં એક જ અણસાર મને મળ્યો કે દક્ષિણ આફ્રિકાની જ જીત પાક્કી છે. મેં દરિયામાંથી અને પર્વત પરથી પણ અસ્થિ ફેંક્યા અને એમાં પણ મને એવો જ સંકેત મળ્યો કે વિજય તો દક્ષિણ આફ્રિકાની ટીમનો જ છે.’
મન્ડલાએ ત્યાં સુધી આગાહી કરી છે કે ‘આ ફાઇનલ દરમ્યાન એક ખેલાડીને ઈજા થશે અને તે આખી મૅચ નહીં રમી શકે. મને પૂર્વજો તરફથી પણ આ વિશેનો સંકેત મળ્યો છે.’
મખોસી ઝોડવા ઍન્ડ્લોવુ નામના બીજા ભવિષ્યવેતાએ પણ કહ્યું છે કે ‘મેં અસ્થિ ફેંક્યા એમાં મને કુ-મ્લોફેનો પ્રકાશ સાથેનો અણસાર મળ્યો જેનો અર્થ એ થાય છે કે દક્ષિણ આફ્રિકાની જીત નક્કી છે.’
ભારત 13 વર્ષે ફરી એકવાર વર્લ્ડ કપ જીતવા જઈ રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા વિજયી થશે તો એના નામે પહેલી વર્લ્ડ કપ ટ્રોફી લખાશે.