T20 World Cup: નેધરલૅન્ડ્સ સામે સાઉથ આફ્રિકા હૅટ-ટ્રિક હારથી માંડ-માંડ બચ્યું
ન્યૂ યૉર્ક: નેધરલૅન્ડ્સ (20 ઓવરમાં નવ વિકેટે 103 રન) સામે સાઉથ આફ્રિકા (18.5 ઓવરમાં છ વિકેટે 106 રન) શનિવારે અહીં ગ્રૂપ ‘ડી’માં સતત બીજી મૅચ જીતીને મોખરે રહ્યું હતું. જોકે એઇડન માર્કરમની ટીમે આ લો-સ્કોરિંગ મૅચમાં પણ મહામહેનતે વિજય મેળવ્યો હતો. એ સાથે, સાઉથ આફ્રિકાએ યુરોપના નેધરલૅન્ડ્સ સામે આઇસીસી ટૂર્નામેન્ટમાં લાગલગાટ ત્રીજો પરાજય ટાળ્યો હતો. અગાઉ સાઉથ આફ્રિકાએ નેધરલૅન્ડસ સામે ઉપરાઉપરી બે મૅચમાં પરાજય જોવો પડયો હતો.
નેધરલૅન્ડ્સે સીબ્રૅન્ડ એન્જલબ્રેટ (40 રન, 45 બૉલ, એક સિક્સર, બે ફોર) અને લૉગન વૅન બીક (23 રન, બાવીસ બૉલ, ત્રણ ફોર)ના સાધારણ યોગદાનની મદદથી માત્ર 103 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના 31 વર્ષીય પેસ બોલર ઑટનીલ બાર્ટમૅને ફક્ત 11 રનમાં ચાર વિકેટ તેમ જ માર્કો યેનસેન અને ઍન્રિચ નોર્કિયાએ બે-બે વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકાએ માત્ર 104 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં પાંચ ઓવરમાં ફક્ત 12 રનમાં ચાર વિકેટ ગુમાવી દેતાં નેધરલૅન્ડ્સની છાવણીમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો. જોકે આઇપીએલમાં ટી-20ની સારીએવી પ્રૅક્ટિસ કરીને વર્લ્ડ કપમાં રમવા આવેલા ડેવિડ મિલર (59 અણનમ, 51 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) તથા ટ્રિસ્ટેન સ્ટબ્સ (33 રન, 37 બૉલ, એક સિક્સર, એક ફોર)ની જોડીએ પાંચમી વિકેટ માટે 65 રન બનાવીને સાઉથ આફ્રિકાની ઇનિંગ્સને ફરી ચેતનમય કરી હતી.
77મા રને સ્ટબ્સની વિકેટ પડ્યા બાદ 88 રનના સ્કોર પર યેનસેને વિકેટ ગુમાવી હતી, પરંતુ મિલર સાથે કેશવ મહારાજ (0) વિજય મળ્યા સુધી અણનમ રહ્યો હતો.
નેધરલૅન્ડ્સના વિવિયન કિંગ્મા અને લૉગન બીકે બે-બે વિકેટ લીધી હતી.
આ મૅચમાં કુલ 15 વિકેટ પડી હતી જેમાંથી 13 વિકેટ પેસ બોલર્સે લીધી અને બે બૅટર રનઆઉટ થયા હતા. કોઈ સ્પિનરને એકેય વિકેટ નહોતી મળી. મિલરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.