T20 World Cup : ગાંગુલીએ દ્રવિડને કહ્યું, “હું જ્યારે રોહિતની અને વિરાટની પત્નીને જોઉં છું ત્યારે…. “
ન્યૂ યોર્ક: ભારત આઈસીસી ટ્રોફી જીત્યાને 11 વર્ષ થઈ ગયા છે એ જોતા ભારતીય ખેલાડીઓ આ વખતના વર્લ્ડ કપમાં ખૂબ પ્રેશરમાં આવીને રમશે એવું લાગે છે. જોકે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ તેમને માટે સલાહ આપી છે કે તેમણે માનસિક દબાણમાં રમવાને બદલે મુક્ત મનથી રમવું જોઈએ. એ સાથે ગાંગુલીએ હેડ કોચ દ્રવિડ માટેની ખાસ સલાહમાં ખેલાડીઓની પત્નીઓ કેવા માનસિક દબાણમાં જોતી હોય છે એની વાત કરી હતી.
બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક ચેનલ સાથેની વાતચીત દરમ્યાન ભારતીય ખેલાડીઓ માટેના સંદેશમાં કહ્યું હતું કે તેમણે કોઈપણ પ્રકારના માનસિક દબાણમાં આવવાને બદલે મુક્ત મનથી રમવું જોઈએ.
ગાંગુલીએ રાહુલ દ્રવિડ માટેની એડવાઇઝમાં કહ્યું હતું કે “દ્રવિડ ચેમ્પિયન ક્રિકેટર છે અને હેડ-કોચ તરીકે તેનામાં ક્રિકેટ તરીકેની જે સૂઝ-બૂઝ છે એની તો વાત જ શું કરવી! જોકે તેને મારે ખાસ કહેવાનું કે હું જ્યારે રોહિત શર્માની વાઈફ (રિતિકા)ને સ્ટેન્ડમાં જોઉં છું ત્યારે તે મને ખૂબ પ્રેશરમાં મૅચ જોઈ રહેલી જોવા મળે છે. વિરાટની પત્ની (અનુષ્કા)ના ચહેરા પર પણ મને એવું જ પ્રેશર જોવા મળે છે. એ જોતાં દ્રવિડે ખેલાડીઓને મુક્ત મનથી રમવાની સલાહ આપવી જોઈએ.”
ગાંગુલીએ એવું પણ કહ્યું હતું કે “2003ના વર્લ્ડ કપમાં આપણે ફાઇનલ સુધી એકધારી સફળતા મેળવી અને પછી ફાઇનલમાં આંચકો સહન કરવો પડ્યો એના પરથી આપણા ખેલાડીઓને કહેવા માગું છું કે તમે કોઈ પણ પ્રકારના માનસિક દબાણ વગર અને રિલેક્સ મૂડમાં રમજો.”
ટી-20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ પાંચમી જૂને આયરલેન્ડ સામે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી અને બીજી મેચ નવમી જૂને પાકિસ્તાન સામે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી ) રમાશે.
Also Read –