T20 World Cup:રોહિત ફરી ઘાયલ, પાકિસ્તાન સામેના જંગ માટેની પ્રૅક્ટિસમાં અનકમ્ફર્ટેબલ હતો

ન્યૂ યૉર્ક: ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પાંચમી જૂને ટી-20 વર્લ્ડ કપમાં આયરલૅન્ડ સામેની મૅચમાં હાફ સેન્ચુરી પૂરી કર્યા પછી ઈજા પામતાં પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો અને રવિવાર, નવમી જૂનની પાકિસ્તાન સામેની મૅચ પહેલાં 100 ટકા ફિટ થઈ જાય એ માટે તેના પૂરતા પ્રયત્નો હતા, પરંતુ શુક્રવારે પ્રૅક્ટિસ દરમ્યાન તેને ફરી ઈજા થઈ હતી જેને કારણે તે થોડો અનકમ્ફર્ટેબલ હતો.
આયરલૅન્ડ સામેની મૅચમાં રોહિતને જમણા ખભાની નીચે હાથ પર બોલ વાગ્યો હતો.
વાત એવી છે કે પ્રૅક્ટિસ દરમ્યાન થ્રો-ડાઉન (Throwdown) સ્પેશિયાલિસ્ટ નુવાન સેનેવિરાત્નેનો એક બૉલ રોહિતને ડાબા હાથના અંગૂઠા પર વાગ્યો હતો.
આ પણ વાંચો : T20 World Cup: કિવીઓ એક અફઘાન પ્લેયર જેટલા રન પણ ન બનાવી શક્યા અને હાર્યા
જોકે રોહિતે આ ઈજાને હળવાશથી લીધી હતી અને બૅટિંગની પ્રૅક્ટિસ ચાલુ રાખી હતી. તે પિચના સામેના છેડે ગયો હતો અને ત્યાં તેણે થ્રોડાઉન એક્સપર્ટના બૉલનો સામનો કર્યો હતો.
ન્યૂ યૉર્કની ડ્રૉપ-ઇન પિચ વિવાદના વમળમાં છે. અહીંની પિચ પર બૉલને અણધાર્યા ઉછાળ મળે છે. પિચમાં મોટી તિરાડો છે જેના પર રોલર ફેરવવામાં આવી રહ્યું છે.
આઇસીસી ન્યૂ યૉર્કની પિચને 100 ટકા રમવાલાયક બનાવવા અથાક પ્રયત્નો કરી રહી છે.