T20 World Cup:Rift between Babar and Shaheen Afridi?: ‘અકરમનું કહેવું સાચું નથી, બાબર-આફ્રિદી વચ્ચે કોઈ જ ઝઘડો નથી’ એવું કોણે કહેવું પડ્યું?

ન્યૂ યૉર્ક: પાકિસ્તાનની ટીમ જ્યારે પણ કોઈ ટૂર્નામેન્ટમાં પછડાટ ખાય (ખાસ કરીને ભારત સામેની વર્લ્ડ કપની મૅચમાં એની નાલેશી થાય) ત્યારે પાકિસ્તાનની ટીમમાંના ઝઘડાની કે બે જૂથ પડી ગયા હોવાની વાત અચૂક બહાર આવતી હોય છે. આ વખતે પણ એવું જ બની રહ્યું છે. બાબર આઝમની ટીમ પહેલા ક્રિકેટના નવાસવા અમેરિકા સામે અને પછી કટ્ટર હરીફ ભારત સામે હારી ગઈ અને સ્પર્ધાની બહાર ફેંકાવાની લગોલગ પહોંચી ગઈ એ સાથે ટીમમાં કંઈક ચળભળ થઈ રહી હોવાના અહેવાલ આવવા લાગ્યા છે.
એ તો ઠીક, પણ પાકિસ્તાનની ટીમના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને સહાયક કોચ અઝહર મહમૂદે મંગળવારે પત્રકારો સમક્ષ ખુલાસો કરવો પડ્યો કે ‘બાબર આઝમ અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી એકબીજા સાથે બોલતા નથી એવું ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમનું કહેવું ખોટું છે. અકરમે ભલે એવું કહ્યું હશે, પરંતુ મને તો ટીમમાં એવું કંઈ લાગ્યું જ નથી. બાબર અને શાહીન એકમેક સાથે બોલે જ છે અને બન્ને વચ્ચે સારી મિત્રતા છે. અમે બે મૅચ કોઈ એક વ્યક્તિને લીધે હાર્યા, એ માટે અમારી કેટલીક ભૂલો જવાબદાર છે.’
મૅચ પછી પત્રકારો સામે કેમ કોઈ ખેલાડી નથી આવતો? એવા સવાલના જવાબમાં અઝહરે કહ્યું, ‘પરાજય બદલ સપોર્ટ સ્ટાફ પોતાને સરખા જવાબદાર ગણતા હોવાથી તેઓ જવાબ આપવા આવે છે. અમે કોઈ પ્લેયરને સંતાડી નથી રાખ્યા. બધા અહીં હાજર જ છે. અગાઉની મૅચમાં ગૅરી કર્સ્ટન તમારી સમક્ષ આવ્યા હતા અને હવે હું આવ્યો છું.’
પાકિસ્તાને આ ટૂર્નામેન્ટમાં પહેલી મૅચમાં અમેરિકા સામે સુપર ઓવરમાં અને પછી ભારત સામેની લો-સ્કોરિંગ મૅચની રસાકસીમાં છ રનથી પરાજય જોવો પડ્યો હતો.