T20 World Cup:શુભમનને ગેરશિસ્ત બદલ પાછો મોકલવામાં આવી રહ્યો હોવાનો અહેવાલ સાચો છે?

ન્યૂ યૉર્ક/નવી દિલ્હી: ભારતના ઓપનિંગ બૅટર અને આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમના કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill)ને શિસ્તભંગના પગલાં તરીકે અમેરિકાથી પાછો મોકલવામાં આવી રહ્યો હોવાના અહેવાલોએ છેલ્લા થોડા કલાકોથી ક્રિકેટજગતમાં સનસનાટી મચાવી દીધી હતી. જોકે શુક્રવારે સાંજે મળેલા એક અહેવાલ મુજબ ગિલ સામે કોઈ જ પ્રકારનું શિસ્તભંગનું પગલું નથી ભરવામાં આવી રહ્યું અને અમુક રિઝર્વ્ડ ખેલાડીઓને ભારત પાછા મોકલવાની યોજનાના ભાગરૂપે જ તે ભારત પાછો પહોંચી જશે.
એ પહેલાં, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં અમુક અટકળો સાથે જણાવાયું હતું કે ‘ભારતીય ટીમ-મૅનેજમેન્ટ વર્લ્ડ કપ દરમ્યાન શુભમન ગિલનું જે વર્તન હતું એનાથી નારાજ છે. બીજી તરફ, શુભમન ગિલે કૅપ્ટન રોહિત શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કર્યો છે અને સુકાની રોહિત સાથેના તેના સંબંધો બગડી ગયા છે.’
જોકે શનિવારે મોડી સાંજના અહેવાલોમાં એક આધારભૂત સૂત્રને ટાંકીને જણાવાયું હતું કે ‘શુભમન ગિલ અને આવેશ ખાનને ટી-20 વર્લ્ડ કપમાં લીગ સ્ટેજ બાદ પાછા મોકલવાનો જે પ્લાન બનાવાયો હતો એનો હવે અમલ કરવામાં આવી રહ્યો છે. ટીમ ઇન્ડિયાનું મૅનેજમેન્ટ ગિલથી નારાજ છે એ અટકળ ખોટી છે.’
અફવા બાદના અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે ‘ખરેખર તો વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ચાર-ચાર રિઝર્વ્ડ ખેલાડીઓની જરૂર છે કે નહીં એના પર ટીમ મૅનેજમેન્ટ નિર્ણય લેશે.’
ગિલ અને આવેશ ખાન ઉપરાંત રિન્કુ સિંહ અને ખલીલ અહમદનો પણ રિઝર્વ્ડ ખેલાડી તરીકે ટીમમાં સમાવેશ હતો. જોકે રિન્કુ અને ખલીલને વર્લ્ડ કપની ટૂરમાં જ રહેવાની સૂચના અપાઈ હોવાનું મનાય છે.