
ગ્રોઝ આઇલેટ: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં સોમવારે (રાત્રે 8.00 વાગ્યાથી) સુપર-એઇટનો જે મુકાબલો છે એમાં વરસાદ વિલન બનવાની પાકી સંભાવના છે. જો મૅચ નહીં રમાય તો બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળી જશે. ભારત કુલ પાંચ પૉઇન્ટ સાથે સેમિમાં જશે, પરંતુ ઑસ્ટ્રેલિયાને મોટું નુકસાન થશે. એણે રનરેટ સંબંધમાં અફઘાનિસ્તાન સાથે રસાકસીમાં ઊતરવું પડશે.
ઑસ્ટ્રેલિયાએ રવિવારે અફઘાનિસ્તાન સામે પછડાટ ખાધી હોવાથી એનો ઉત્સાહ તો થોડો ઉતરી જ ગયો હશે અને એવામાં સોમવારે એણે ભારત જેવી મજબૂત અને ટ્રોફી માટે ફેવરિટ ટીમ સામે રમવાનું છે.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો ઑસ્ટ્રેલિયા સામે 3-2નો જીત-હારનો રેશિયો હોવાથી આ રેકૉર્ડને આધારે પણ ભારત સોમવારે જીતવા ફેવરિટ છે. છેલ્લે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં આ બન્ને દેશ વચ્ચેનો મુકાબલો છેક 2016ના વર્લ્ડ કપમાં થયો હતો.
ઑસ્ટ્રેલિયન બોલર્સ ખાસ કરીને સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા તેમ જ રિષભ પંતને કાબૂમાં રાખવાની કોશિશ કરશે.
સેન્ટ લ્યૂસિયામાં ગ્રોઝ આઇલેટની પિચ બૅટર્સ-ફ્રેન્ડ્લી ગણાય છે. જોકે વરસાદ પડવાની આગાહી છે.