T20 World Cup: ન્યૂ યોર્કની ડ્રોપ ઇન પિચ ખતરનાક, પિચ સુધારીશું’ ICCએ સ્વીકાર્યું

ન્યૂ યોર્કઃ અમેરિકાના નાસાઉ કાઉન્ટીની ખુલ્લી તિરાડો સાથેની ખતરનાક પિચ ટી-20 વર્લ્ડ કપમાં ચિંતાનું કારણ બની ગઈ છે અને ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સ્વીકાર્યું હતું કે પિચ દરેકની અપેક્ષા મુજબની નથી.
ભારત અને આયરલેન્ડ વચ્ચેની મેચ બાદ પિચને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતે આયરલેન્ડને 16 ઓવરમાં માત્ર 96 રનમાં ઓલઆઉટ કરીને આઠ વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં રોહિત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન, ઈરફાન પઠાણ અને સંજય માંજરેકર સહિત ઘણા દિગ્ગજોએ પિચ પર સવાલ ઉઠાવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે વર્લ્ડ કપની શરૂઆત પહેલા આ મેદાન પર કેટલીક પ્રેક્ટિસ મેચો કેમ રમાડવામાં ના આવી. હવે આઇસીસીએ આ અંગે સ્પષ્ટતા રજૂ કરી છે.
આઈસીસીએ કહ્યું ‘આઈસીસી સ્વીકારે છે કે નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઉપયોગમાં લેવાતી પિચો આપણે બધાની અપેક્ષા મુજબનું વર્તન કરી રહી નથી. ગ્રાઉન્ડકીપર્સની વર્લ્ડ ક્લાસ ટીમ પરિસ્થિતિને સુધારવા અને બાકીની મેચોમાં શ્રેષ્ઠ સંભવિત પિચ આપવા માટે સખત મહેનત કરી રહી છે.
ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂ યોર્કની ડ્રોપ-ઇન પિચોની ખૂબ ટીકા થઈ રહી છે. ભારતને આ સ્ટેડિયમમાં વધુ બે મેચ રમવાની છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને રમાનારી મેચનો પણ સમાવેશ થાય છે. કેટલાક નિષ્ણાતો માને છે કે પ્રથમ કેટલીક પ્રેક્ટિસ મેચો આવી પિચ પર રમવી જોઈતી હતી. આ ટી-20 વિકેટ નથી અને ચારેય પિચો એવી છે.
ટી-20 વર્લ્ડ કપ 2024 માટે બનાવવામાં આવેલ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં તમામ ઘાસની પિચ છે. આ બધી ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવી હતી અને ફ્લોરિડામાં મોકલવામાં આવી હતી. આ પછી તેમને ટ્રક મારફતે ન્યૂયોર્ક લાવવામાં આવી હતી. આ ડ્રોપ-ઇન પિચો ટુર્નામેન્ટની શરૂઆતના થોડા દિવસો પહેલા લગાવવામાં આવી છે.
Also Read –