પૅટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં બે હૅટ-ટ્રિક લેનાર વિશ્વનો પહેલો બોલર
વોર્નરને કારણે સતત ચોથી વિકેટથી વંચિત
કિંગસ્ટાઉન: ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં બે હૅટ-ટ્રિક લેનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે સતત બીજી વર્લ્ડ કપ મૅચમાં હૅટ-ટ્રિક લેવાનો વિક્રમ પણ રચ્યો છે. લાગલગાટ ચોથા બૉલમાં પણ તે વિકેટ લઈ શક્યો હોત, પરંતુ ડેવિડ વોર્નરે કૅચ છોડ્યો એટલે કમિન્સ એ રેકોર્ડથી વંચિત રહી ગયો હતો.
આં મૅચમાં ઓસ્ટ્રેલિયનોએ કેટલાક કૅચ છોડ્યા હતા જેને કારણે મિચલ માર્શની ટીમે અફઘાનિસ્તાન સામે પરાજય જોવો પડ્યો હતો.
બે દિવસ પહેલાં કમિન્સે બંગલાદેશ સામેની મૅચમાં હૅટ-ટ્રિક લીધી હતી. એ મૅચમાં તેણે પોતાની બે ઓવરના સતત ત્રણ બૉલમાં ત્રણ વિકેટ લીધી હતી. આ વખતે પણ એવું જ બન્યું. તેણે બે ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ બૅટરને આઉટ કર્યા. કમિન્સે 18મી ઓવરના છેલ્લા બૉલમાં રાશિદ ખાનને ડેવિડના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ કમિન્સે 20મી ઓવરના પહેલા બે બૉલમાં કરીમ અને ગુલબદીન નઇબની વિકેટ લીધી હતી. એ સાથે કમિન્સની હૅટ-ટ્રિક પૂરી થઈ હતી. કકમિન્સને સતત ચોથી વિકેટ મળે એમ હતી. જોકે વોર્નરે નવા બૅટર નાંગેલીયા ખરોટેનો કૅચ છોડ્યો હતો.
આ પણ વાંચો…
સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીની શાદીની અફવા થઈ વાયરલ, પિતાએ આપી પ્રતિક્રિયા…
ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વખત અને ક્રિકેટ જગતમાં 17 વર્ષે એક જ બોલરના હાથે સતત બીજી હૅટ-ટ્રિક જોવા મળી હતી. જો કમિન્સ ચોથા બૉલમાં પણ વિકેટ લઈ શક્યો હોત તો તેણે સતત ચાર બૉલમાં વિકેટ લેવાના લસિથ મલિંગા અને અન્ય બોલર્સની બરાબરી કરી હોત.
લાગલગાટ ચાર બૉલમાં વિકેટ લેવાની સિદ્ધિ આ બોલર્સના નામે છે: મલિંગા, શ્રીલંકા (2019માં ન્યૂ ઝીલેન્ડ સામે), રાશિદ ખાન, અફઘાનિસ્તાન (2019માં આયર્લેન્ડ સામે), કેમ્ફર, આયર્લેન્ડ (2021માં નેધરલેન્ડ્સ સામે) અને હોલ્ડર, વેસ્ટ ઈન્ડિઝ (2022માં ઇંગ્લેન્ડ સામે).