T20 World Cup: Pakistan v/s Canada:ઓપનર જૉન્સને પાકિસ્તાનના બોલર્સને ખૂબ હંફાવ્યા: કૅનેડાના સાત વિકેટે 106

ન્યૂ યૉર્ક: પહેલી જૂને અમેરિકાને ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં લડત આપનાર અને ચાર દિવસ પહેલાં આયરલૅન્ડને હરાવનાર કૅનેડાની ટીમે મંગળવારે પાકિસ્તાનને સારીએવી લડત આપી હતી. બૅટિંગ મળ્યા પછી કૅનેડાએ 20 ઓવરમાં સાત વિકેટે 106 રન બનાવ્યા હતા. ખરી વાત તો એ છે કે કૅનેડાના ઓપનર આરૉન જોન્સને (બાવન રન, 44 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) પાકિસ્તાનના બોલર્સની ખબર લઈ નાખી હતી.
જૉન્સન છેક 14મી ઓવરમાં 73 રનના સ્કોર પર આઉટ થયો હતો. નસીમ શાહે તેને ક્લીન બોલ્ડ કરીને 64 મિનિટની ઇનિંગ્સનો અંત લાવી દીધો હતો.
એ પહેલાં, સામા છેડે એક પછી એક વિકેટ પડતી ગઈ હતી, પણ જૉન્સન પાકિસ્તાની બોલરની ખબર લઈ રહ્યો હતો. તેણે દરેક ખરાબ બૉલ પર આક્રમક વલણ અપનાવીને
ફટકો માર્યો હતો.
ત્રીજી ઓવરમાં ભારતીય મૂળના ખેલાડી નવનીત ધાલીવાલની પ્રથમ વિકેટ લેનાર મોહમ્મદ આમિરે તેમ જ હૅરિસ રઉફે બે-બે વિકેટ તેમ જ નસીમ શાહ અને શાહીન આફ્રિદીએ એક-એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાન ગ્રુપ ‘એ’માં છે જેમાં આ પહેલાં તે અમેરિકા અને ભારત સામે હારી ગયું હતું. કૅનેડા પછી એની આયરલૅન્ડ સામે છેલ્લી લીગ મૅચ રમાશે.