T20 World Cup :ઓમાનના બોલરે બે વર્લ્ડ ચૅમ્પિયન બૅટરને બે બૉલમાં પૅવિલિયન ભેગા કર્યા
જોકે ઑસ્ટ્રેલિયાએ 39 રનથી જીતીને વિજયી શરૂઆત કરી
બ્રિજટાઉન: ઑસ્ટ્રેલિયાએ બુધવારે ઓમાનને 39 રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપમાં વિજયી શરૂઆત કરી હતી. જોકે 2021ના ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને સાવ સહેલાઈથી નહોતું જીતવા મળ્યું. એમાં પણ ખાસ કરીને એક તબક્કે ઓમાનના પેસ બોલર મેહરાન ખાને બે બૉલમાં બે પ્રાઇઝ વિકેટ લઈને કાંગારૂઓના શ્ર્વાસ અધ્ધર કરી દીધા હતા.
ઑસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 50 રન હતો ત્યારે મેહરાન ખાનના બૉલમાં કૅપ્ટન મિચલ માર્શ (14) કૅચઆઉટ થયો હતો. એના પછીના જ બૉલ પર મેહરાન ખાને ગ્લેન મૅક્સવેલ (જેને 2024ની આઇપીએલ માટે બેન્ગલૂરુના ફ્રૅન્ચાઇઝીએ 11 કરોડમાં ખરીદ્યો હતો)ને તેના ઝીરો પર કૅચઆઉટ કરાવ્યો હતો. અહીં યાદ અપાવવાની કે નવેમ્બર, 2023માં ભારતમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું એ ટીમમાં માર્શ અને મૅક્સવેલ બન્ને હતા.
બુધવારે ઑસ્ટ્રેલિયાએ વૉર્નરના 56 રન અને સ્ટોઇનિસના છ સિક્સરની મદદથી બનેલા અણનમ 67 રનની મદદથી પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા. ઓમાનની ટીમ પૂરી 20 ઓવર રમી હતી જેમાં એણે નવ વિકેટે 125 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસે ત્રણ તેમ જ સ્ટાર્ક, એલિસ અને ઝૅમ્પાએ બે-બે વિકેટ લીધી હતી.
જૉશ હૅઝલવૂડ અને મૅક્સવેલને વિકેટ નહોતી મળી શકી. સ્ટોઇનિસને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.