
બ્રિજટાઉન (બાર્બેડોઝ): રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ગુરુવારે ઇંગ્લૅન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ દરમ્યાન મેઘરાજાના જંજાળમાંથી માંડ છૂટીને વન-સાઇડેડ મુકાબલો જીતી ગઈ અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો ત્યાં વેસ્ટ ઇન્ડિઝથી અહેવાલ આવ્યા છે કે શનિવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) જે ફાઇનલ રમાવાની છે એ દરમ્યાન પણ મેઘરાજા બધાને હેરાન-પરેશાન કર્યા વિના છોડવાના નથી.
બાર્બેડોઝમાં બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર સ્થાનિક સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી આ ફાઇનલ રમાવાની છે અને ત્યાંની વેધશાળાના અહેવાલ મુજબ બાર્બેડોઝ ટાપુ પર શનિવારે સૂસવાટા સાથે ઠંડો પવન ફૂંકાવાની તેમ જ આખો દિવસ વરસાદ પડવાની પાક્કી સંભાવના છે.
આ પણ વાંચો : Well Done Guys: ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપ લઈને આવે તેલી બોલીવૂડની પણ શુભેચ્છા
જોકે એક રિપોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે (ભારતીય સમય મુજબ શનિવારે રાત્રે 8.00 વાગ્યાથી રમાનારી) મૅચનો સમય જેમ નજીક આવશે એમ હવામાનને લગતી આગાહીમાં ફેરફાર થવાની પણ શક્યતા છે.
અહીં ખાસ જણાવવાનું કે શનિવારે રમાનારી ફાઇનલ માટે એક રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે.
ભારતને 17 વર્ષે ફરી ટી-20 વર્લ્ડ કપ જીતવાનો મોકો છે, જ્યારે સાઉથ આફ્રિકાને ક્રિકેટના ઇતિહાસમાં પહેલી જ વખત આઇસીસી ટ્રોફી જીતવાની સોનેરી તક મળી છે.