T20 World Cup:કૅનેડા સામેનો મુકાબલો એટલે ટીમ ઇન્ડિયા માટે અજમાયશોનો મોકો
ત્રણ મૅચમાં પાંચ રન બનાવનાર કોહલી આ મૅચથી પાછો ફૉર્મમાં આવી શકે

લૉઉડરહિલ (ફ્લોરિડા): મેઘરાજા રજા આપશે તો શનિવારે, 15મી જૂને (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) ભારત (India) અને કૅનેડા (Canada) વચ્ચેની ગ્રૂપ-એની લીગ મૅચ રમાશે. જો આ મૅચ રમાશે તો વર્લ્ડ કપની ટૂર પર ગયેલા તેમને તેમ જ હજી સુધી આ વર્લ્ડ કપમાં ન રમી શકેલા ખેલાડીઓને કૅનેડા સામેની આ મૅચમાં રમવાનો મોકો મળી શકે. વિરાટ કોહલી આઇપીએલમાં સૌથી વધુ 741 રન બનાવીને વર્લ્ડ કપમાં આવ્યો છે, પરંતુ આ સ્પર્ધાની ત્રણ મૅચમાં માત્ર પાંચ રન બનાવી શક્યો છે. ઓપનિંગને બદલે તેને ફરી વનડાઉનમાં મોકલવામાં આવશે તો યશસ્વી જયસ્વાલને રમવાની તક મળી શકે.
આશા રાખીએ કે ન્યૂ યૉર્કથી ફ્લોરિડા સુધીની 1,850 કિલોમીટરની સફર કરીને આવેલા કોહલીનું અહીંના લૉઉડરહિલના મેદાન પર ભાગ્ય કદાચ બદલાઈ જશે. એવી પણ આશા છે કે ન્યૂ યૉર્કની જેમ ફ્લોરિડાની પિચ માત્ર બોલર્સને મદદરૂપ થાય એવી નહીં હોય અને અહીં મૅચ લો-સ્કોરિંગ પણ નહીં રહે.
આ પણ વાંચો : T20 World Cup:ભારતે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટમાં કોની સામે રમવાનું છે એ નક્કી થઈ ગયું! હરીફો કોણ છે, જાણો છો?
રવીન્દ્ર જાડેજા અથવા અક્ષર પટેલને આરામ અપાશે તો યુઝવેન્દ્ર ચહલ અથવા કુલદીપ યાદવમાંથી કોઈને (અથવા બન્નેને) રમવાની તક મળી શકે.
રિષભ પંત અને સૂર્યકુમાર યાદવ બૅટિંગમાં કોહલીના ખરાબ ફૉર્મ સામે ખોટ પૂરી કરી રહ્યા છે, જ્યારે પેસ બોલિંગમાં બુમરાહ, અર્શદીપ અને હાર્દિક હરીફ ટીમના બૅટર્સની ઊંઘ હરામ કરી રહ્યા છે.
લૉઉડરહિલ શહેર માયામીથી માંડ 50 કિલોમીટર દૂર છે. માયામીમાં પૂરને લીધે હાહાકાર મચી ગયો છે અને લૉઉડરહિલ સુધી એ પૂરનો રેલો નહીં આવે એવી આશા ક્રિકેટચાહકો રાખતા હશે.
કૅનેડાની ટીમમાં ભારતીય મૂળના ઘણા ખેલાડીઓ (પરગટ સિંહ, દિલપ્રીત બાજવા, રિશીવ જોશી, કંવરપાલ, નવનીત ધાલીવાલ, રવિન્દરપાલ સિંહ, શ્રેયસ મોવ્વા) હોવાથી આ મૅચ પણ ભારત વિરુદ્ધ મિની ભારત જેવી બની શકે.