T20 World Cup: ‘કચરો તારા મગજમાં જ રાખ, બહાર ન કાઢ’ આવું હરભજને કોના માટે કહ્યું?
પ્રૉવિડન્સ (ગયાના): ઇંગ્લૅન્ડના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટર્સને અને એમાં ખાસ કરીને માઇકલ વૉન (Michael Vaughan)ને હંમેશાં ઇંગ્લૅન્ડના પરાજય બાદ રોકક્કડ કરવાની અને હરીફ ટીમની કે યજમાનની ટીકા કરવાની વર્ષોથી આદત છે. તેણે ગુરુવારે પણ એવું જ કર્યું. ભારતે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને 68 રનથી કચડી નાખ્યું એ પહેલાં જ માઇકલ વૉનને ‘ફરિયાદ’ હતી. ગયાનાની પિચ ભારત માટે વધુ ફાયદાકારક હતી એવું કહીને વૉને ભારતીય ટીમને બદનામ કરવાનું શરૂ કરી દીધું એટલે હરભજન સિંહ (Harbhajan Singh) ટીમ ઇન્ડિયાના રક્ષણ માટે આગળ આવી ગયો અને તેણે સોશિયલ મીડિયા પર વૉનને જવાબ આપતા લખ્યું, ‘બકવાસ બંધ કર. હાર સ્વીકારી લે અને તારા મગજનો કચરો તારી પાસે જ રાખ.’
સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ સેમિ ફાઇનલ ટ્રિનિદાદના ટારૌબામાં રમાઈ હતી અને એ જ દિવસે રાત્રે ભારત-ઇંગ્લૅન્ડની સેમિ ગયાનાના પ્રૉવિડન્સમાં હતી. આ મહિનાઓ પહેલા જ નક્કી થયું હતું. ગયાનાની પિચ સ્પિનર્સને વધુ મદદરૂપ હતી. જોકે માઇકલ વૉને કહ્યું આઇસીસીએ ભારતને વધુ માફક આવે એવું મેદાન નક્કી કર્યું હતું. લવલી વેન્યૂ પિક ફૉર ઇન્ડિયા.’
આ પણ વાંચો : T20 World Cup: સમાચાર સારા નથી…ભારત-સાઉથ આફ્રિકા ફાઇનલમાં પણ વરસાદ હેરાન-પરેશાન કરી મૂકશે!
વૉને સોશિયલ મીડિયામાં એવું પણ જણાવ્યું કે ‘ઇંગ્લૅન્ડે જો સાઉથ આફ્રિકાને સુપર-એઇટમાં હરાવ્યું હોત તો તેમને સેમિ માટે ટ્રિનિદાદનું મેદાન મળ્યું હોત અને મને લાગે છે કે એના પર તો ઇંગ્લૅન્ડ સેમિ જીતી જ ગયું હોત. જોકે ગયાના તો ભારત માટે બહુ સારું મેદાન હતું.’
જોકે હરભજન સિંહે માઇકલ વૉનના ઉકળાટ પર ઠંડુ પાણી રેડતા ટ્વિટર પર લખ્યું, ‘તું કેવી રીતે કહે છે કે ગયાનાની પિચ ભારત સામે વધુ ફેવરેબલ હતી? ભારત અને ઇંગ્લૅન્ડ બન્નેની ટીમ એક જ પિચ પર રમી હતી. ઇંગ્લૅન્ડને તો ટૉસ જીતવાનો લાભ પણ મળ્યો હતો. મૂર્ખાઈભરી વાતો બંધ કર. ભારતે દરેક બાબતમાં ઇંગ્લૅન્ડને ઝાંખુ પાડી દીધું. હકીકતનો સ્વીકાર કર અને આગળ વધ. તારા મગજનો કચરો તારી પાસે જ રાખ. બકવાસ બંધ કર અને જેમાં તથ્ય હોય એવી વાત કર.’
અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે ગુરુવારે રાત્રે હારી ગયા પછી ખુદ ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે જાહેરમાં કહ્યું હતું કે ‘ભારતીય ટીમ જ જીતવા માટે લાયક હતી. તેમણે અમને દરેક બાબતમાં (બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગ) અમને ઝાંખા પાડી દીધા.’