T20 World Cup :આયરલૅન્ડ 96 રનમાં ઑલઆઉટ, બુમરાહ-હાર્દિક-અર્શદીપના તરખાટ
પૂછડિયાઓએ ભારતીયોને થોડા હંફાવ્યા: બુમરાહનો પહેલી જ ઓવરમાં સૌથી વધુ મેઇડનનો વિક્રમ
ન્યૂ યૉર્ક: ભારતે અહીં ટી-20 વર્લ્ડ કપમાં ગ્રૂપ ‘એ’માં પોતાની પહેલી જ મૅચમાં દમદાર પર્ફોર્મ કર્યું હતું અને આયરલૅન્ડને 16 ઓવરમાં 96 રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું. 97 રનનો લક્ષ્યાંક મળ્યો એ પહેલાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે આયરિશોને સૌથી વધુ આંચકા આપ્યા હતા.
મિડલ ઑર્ડરના બૅટર ગરેથ ડેલની (26 રન, 14 બૉલ, બે સિક્સર, બે ફોર)એ ભારતીયોને સારીએવી લડત આપી હતી અને છેક 16મી ઓવરના અંતિમ બૉલ પર રનઆઉટ થયો હતો. તેના ઉપરાંત કેટલાક પૂછડિયા બૅટર્સે પણ ભારતીયો બોલર્સને હંફાવ્યા હતા. નવમી વિકેટ માટે 27 રનની અને 10મી વિકેટ માટે 19 રનની ભાગીદારી થઈ હતી. જોકે ગરેથને બાદ કરતા બીજો કોઈ બૅટર 15 રન પણ નહોતો બનાવી શક્યો.
ન્યૂ યૉર્કની પિચ પર ફાસ્ટ બોલર્સને બાઉન્સ અને સીમ મૂવમેન્ટ સારા મળ્યા હતા.
બુમરાહે છ રનમાં બે વિકેટ, હાર્દિકે 27 રનમાં ત્રણ અને અર્શદીપે 35 રનમાં બે વિકેટ લીધી હતી. આયરલૅન્ડને પહેલી ત્રણ ઓવરમાં ફક્ત નવ રનમાં બે આંચકા અર્શદીપે આપ્યા હતા. મોહમ્મદ સિરાજે એક અને અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. ખાસ કરીને અક્ષરે પોતાના જ બૉલમાં બૅરી મૅકાર્થીનો અફલાતૂન ડાઇવિંગ કૅચ પકડ્યો હતો. રવીન્દ્ર જાડેજાને એક ઓવર મળી હતી જેમાં તેને સાત રનમાં વિકેટ નહોતી મળી.
વિકેટકીપર રિષભ પંતે બે કૅચ પકડ્યા હતા અને ગરેથને સિરાજ સાથે મળીને રનઆઉટ કર્યો હતો.
આયરલૅન્ડની ઇનિંગ્સમાં છઠ્ઠી ઓવર જસપ્રીત બુમરાહને આપવામાં આવી હતી અને તેણે એ ઓવર પૂરી કરતાની સાથે નવો વિક્રમ રચી દીધો હતો. તેની એ મેઇડન ઓવર હતી. ટી-20 ઇન્ટરનૅશનલમાં એ તેની 11મી મેઇડન હતી. ટેસ્ટ-ક્રિકેટ રમતા દેશોના બોલર્સમાંથી ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ મેઇડન ઓવર કરનારાઓમાં હવે બુમરાહ નંબર વન છે. તેણે ભુવનેશ્ર્વર કુમારનો 10 મેઇડનનો રેકૉર્ડ તોડ્યો છે.
બીજું, ટી-20 ઇન્ટરનૅશનલમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં બુમરાહ ત્રીજા સ્થાને આવી ગયો છે. તેના નામે પાવરપ્લેની પચીસ વિકેટ છે. અર્શદીપ સિંહ 26 વિકેટ સાથે બીજા નંબરે અને ભુવનેશ્ર્વર 47 વિકેટ સાથે પ્રથમ નંબરે છે.
એ પહેલાં, રોહિત શર્માએ વાદળિયા હવામાન વચ્ચે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. રોહિતે ટૉસ વખતે કહ્યું, ‘અમે આ જ પિચ પર (બાંગ્લાદેશ સામેની વૉર્મ-અપ મૅચ) રમ્યા હતા એટલે પિચ વિશે થોડુંઘણું જાણીએ જ છીએ.’
ભારતે ટીમમાં ચાર ઑલરાઉન્ડર (હાર્દિક, જાડેજા, અક્ષર, શિવમ) સમાવ્યા હતા.
ગુરુવારે રમાશે ત્રણ મૅચ
યુગાન્ડા વિરુદ્ધ પીએનજી, પ્રૉવિડન્સ, સવારે 5.00
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓમાન, બ્રિજટાઉન, સવારે 6.00
પાકિસ્તાન વિરુદ્ધ અમેરિકા, ડલાસ, રાત્રે 9.00