T20 World Cup :વર્લ્ડ કપ માટે કંઈ આવી ઉતરતી કક્ષાની પિચ હોય?: માઇકલ વૉન
ન્યૂ યૉર્ક: અમેરિકામાં ક્રિકેટના ક્રેઝની હજી શરૂઆત થઈ રહી છે અને ટી-20 વર્લ્ડ કપ જેવી સર્વોત્તમ સ્પર્ધા યોજાવાથી એનો ફાયદો આગળ જતાં અમેરિકાને જરૂર થશે, પરંતુ
ન્યૂ યૉર્કની પિચના મુદ્દે વિવાદ થઈ રહ્યો છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને (Michael Vaughan) અમેરિકાના જોશ અને જુસ્સાની પ્રશંસા કરી હતી, પરંતુ પિચ બદલ ટીકા કરી હતી.
આ મેદાન પરની પહેલી બન્ને મૅચમાં ટીમ-સ્કોર 100થી નીચે રહ્યો છે. ખાસ કરીને બુધવારે ભારત સામે ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર આયરલૅન્ડની ટીમ માત્ર 96 રનમાં ઑલઆઉટ થઈ ગઈ એટલે ન્યૂ યૉર્કનું સ્ટેડિયમ નિશાન બન્યું છે. આ પિચ પર હાર્દિક, અર્શદીપ અને બુમરાહને ઘણા બાઉન્સ અને સીમ મૂવમેન્ટ મળ્યા હતા.
માઇકલ વૉને ટ્વિટર પર લખ્યું, ‘અમેરિકામાં ક્રિકેટનો ફેલાવો થઈ રહ્યો છે એ બહુ સારી વાત કહેવાય. મને આ બહુ ગમ્યું. જોકે ખેલાડીઓએ ન્યૂ યૉર્કની ઉતરતી કક્ષાની પિચ પર રમવું પડે એ તો જરાય ન ચાલે. કોઈ ટીમ ખૂબ મહેનત કરીને વર્લ્ડ કપ સુધી પહોંચે અને પછી તેમણે એમાં આવી પિચ પર રમવું પડે એ બહુ ખરાબ કહેવાય.’
ત્રીજી જૂને આ સ્થળે સાઉથ આફ્રિકા સામે શ્રીલંકાની ટીમ ફક્ત 77 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એ મૅચમાં પણ આફ્રિકાના પેસ બોલર્સને ખાસ કરીને નોર્કિયાને ચાર વિકેટ મળી હતી.
ભારતે હવે રવિવારે (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી) આ જ મેદાન પર પાકિસ્તાન સામે રમવાનું છે એ જોતાં આ મેદાન આવનારા ત્રણ દિવસમાં ખૂબ ચર્ચામાં રહેશે.