T20 World Cup: India vs SA મન ભારતની ફેવરમાં, દિલ સાઉથ આફ્રિકા માટે ધબકે છે
શનિવારની ફાઇનલમાં કોણ વિજેતા બનવું જોઈએ એ વિશે ઘણા ક્રિકેટપ્રેમીઓ આવું વિચારતા હશે: રાત્રે 8.00 વાગ્યાથી મુકાબલો
(અજય મોતીવાલા)
મુંબઈ : ભારત અને સાઉથ આફ્રિકા બન્ને અપરાજિત ટીમ વચ્ચે શનિવારે 29મી જૂને બ્રિજટાઉન (બાર્બેડોઝ)માં :, ટી-20 વર્લ્ડ કપનો ફાઇનલ (રાત્રે 8.00 વાગ્યાથી) જંગ છે.
એઇડન માર્કરમની ટીમે અફઘાનિસ્તાનને સેમિ ફાઇનલમાં 56 રનમાં આઉટ કરીને નવ વિકેટે વિજય મેળવ્યો હતો અને ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહેલી જ વાર એન્ટ્રી કરી હતી. એ જ દિવસે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને વરસાદના વિઘ્નો બાદ 68 રનથી હરાવીને ત્રીજી વાર ટી-20 વર્લ્ડ કપ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
ભારત ટી-20ના એક તાજ અને વન-ડેના બે ચૅમ્પિયનપદ સહિત કુલ ત્રણ વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે, જ્યારે સાઉથ આફ્રિકા ક્રિકેટમાં ક્યારેય કોઈ મોટી ટ્રોફી નથી જીત્યું. માર્કરમ અને તેની ટીમને શનિવારની ફાઇનલમાં ભારતને હરાવીને સાઉથ આફ્રિકાને પ્રથમ આઇસીસી ટ્રોફીની ભેટ આપવાની સોનેરી તક છે.
2019ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં અસંખ્ય ક્રિકેટપ્રેમીઓની ઇચ્છા ન્યૂ ઝીલૅન્ડને જીતતું જોવાની હતી, પરંતુ બે ટાઇવાળા અભૂતપૂર્વ મુકાબલામાં બેન સ્ટોક્સના અભૂતપૂર્વ પર્ફોર્મન્સથી ઇંગ્લૅન્ડ મેદાન મારી ગયું હતું.
આજની સ્થિતિ એવી છે જેમાં ભારતીય ક્રિકેટપ્રેમીઓ ટીમ ઇન્ડિયાને જ જીતતી જોવા માગતા હશે, પરંતુ એમાંના ઘણા એવા પણ વિચારતા હશે કે ‘સાઉથ આફ્રિકા ભલે સૌપ્રથમ ટ્રોફી જીતી લે.’
આ પણ વાંચો : IND vs ENG Memes: ભારતતે ઈંગ્લેન્ડને હરાવતા જ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર
ભારત શનિવારે જીતશે તો 2007માં જેમ ધોનીના ધુરંધરોની મેદાન પર વિજયી-પરેડ નીકળી હતી એમ શનિવારે રોહિત શર્મા અને તેના સાથીઓ ફાઇનલ જીતીને મેદાન પર જ અને સ્વદેશ પાછા આવીને અસંખ્ય ચાહકોનું અભિવાદન ઝીલવાનું પસંદ કરશે. જોકે સાઉથ આફ્રિકાની ટીમ વિજયી થશે તો માત્ર એના ચાહકોમાં જ નહીં, સમગ્ર ક્રિકેટજગતમાં અલગ પ્રકારનો જ માહોલ હશે, કારણકે સાઉથ આફ્રિકાની ટીમે ત્યારે ‘ચૉકર્સ’ના ટૅગને દૂર ફગાવી દીધો હશે અને વિશ્ર્વભરમાં માર્કરમ તથા તેની ટીમની વાહ-વાહ થશે.
ભારતીય સંભવિત ઇલેવનની વાત કરીએ તો કૅપ્ટન રોહિત અને છેલ્લી મૅચ માટેના હેડ-કોચ દ્રવિડ દ્વારા કદાચ એ જ ટીમ જાળવી રાખવામાં આવશે. જોકે ટૂર્નામેન્ટમાં ‘બોજ’ બની ગયેલા શિવમ દુબેને ફરી લેવામાં આવશે? કે આક્રમક બૅટર તથા મૅચ-ફિનિશર રિન્કુ સિંહ અથવા યશસ્વી જયસ્વાલ જેવાને તક અપાશે?
માર્કરમ 2014માં અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો!
સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ શનિવારે સાઉથ આફ્રિકાને નૅશનલ ટીમ વતી સૌપ્રથમ આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી અપાવી શકે એમ છે. જોકે તેના વિશેની એક વાત ઘણા નહીં જાણતા હોય. 2014માં અન્ડર-19 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું અને ત્યારે સાઉથ આફ્રિકાની ટીમનો સુકાની માર્કરમ હતો. હવે તે દેશને આજે નૅશનલ ટીમની પહેલી ટ્રોફીની પણ ભેટ આપવાની તૈયારી કરી રહ્યો છે. યાદ અપાવવાની કે આ વર્ષના જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાની ‘એસએ20’ નામની ટી-20 લીગ ટૂર્નામેન્ટમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ નામની ટીમ ચૅમ્પિયન બની હતી અને એ વિજેતા ટીમનો સુકાની માર્કરમ હતો.
ભારતનો હાથ ઉપર
બન્ને દેશ વચ્ચે કુલ 26 ટી-20 રમાઈ છે જેમાંથી ભારતે 14 અને 11 સાઉથ આફ્રિકાએ જીતી છે. એક ટી-20 અનિર્ણીત રહી હતી. ટી-20 વર્લ્ડ કપમાં બેઉ દેશ વચ્ચે છ મૅચ રમાઈ છે જેમાંથી ચાર ભારત અને બે સાઉથ આફ્રિકા જીત્યું છે.
ફાઇનલની હરીફ ટીમો પર એક નજર….
ભારત: રોહિત શર્મા (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઇસ-કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સૅમસન. રિઝર્વ્ડ પ્લેયર: રિન્કુ સિંહ, ખલીલ અહમદ.
સાઉથ આફ્રિકા: એઇડન માર્કરમ (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), હિન્રિચ ક્લાસેન, રીઝા હેન્ડ્રિક્સ, ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, માર્કો યેનસેન, કેશવ મહારાજ, કૅગિસો રબાડા, ઍન્રિક નૉકિયા, તબ્રેઝ શમ્ઝી, ઑટેનિલ બાર્ટમૅન, જેરાલ્ડ કૉએટ્ઝી, બ્યૉન ફૉર્ટૂન અને રાયન રિકેલ્ટન.
00000
કોને કોણ પડકારી શકે?
(1) રોહિત શર્મા વિરુદ્ધ માર્કો યેનસેન
(2) વિરાટ કોહલી વિરુદ્ધ કૅગિસો રબાડા
(3) રિષભ પંત વિરુદ્ધ કેશવ મહારાજ
(4) જસપ્રીત બુમરાહ વિરુદ્ધ ક્વિન્ટન ડિકૉક
(5) અક્ષર/કુલદીપ વિરુદ્ધ હિન્રિચ ક્લાસેન