T20 World Cup: India v/s Pakistan:આજે ભારત-પાકિસ્તાન મૅચમાં મેઘરાજા મજા બગાડી શકે
ન્યૂ યૉર્ક: ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂ યૉર્ક શહેરની ભાગોળે આઇઝનહોવર પાર્ક વિસ્તારમાં આવેલા નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે જે મહા મુકાબલો થવાનો છે એ દરમ્યાન એક વાર કે એકથી વધુ વખત વરસાદનું વિઘ્ન આવી શકે એમ છે.
આજે અમેરિકામાં સવારે 10.30 વાગ્યે મૅચ શરૂ થશે. જોકે ભારતમાં ત્યારે રાત્રે 8.00 વાગ્યા હશે. ટૉસનો સમય (અમેરિકામાં) સવારે 10.00 વાગ્યાનો અને (ભારતમાં) સાંજે 7.30 વાગ્યાનો છે.
ન્યૂ યૉર્કમાં આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને પવન તો અત્યારથી જ ફૂંકાઈ રહ્યો છે.
શહેરમાં ઉષ્ણતામાન 21 ડિગ્રી સેલ્સિયસ છે અને હવામાં ભેજનું પ્રમાણ 60 ટકા છે.
ન્યૂ યૉર્કમાં આજની મૅચ દરમ્યાન વરસાદ પડવાની 50 ટકા આગાહી છે. જોકે ખાસ કરીને ઝરઝર વરસાદની આગાહી છે.
જો આ મહા મુકાબલો વરસાદને કારણે ધોવાઈ જશે (મૅચ અનિર્ણીત રહેશે) તો બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવાશે.
ભારત-પાકિસ્તાન મુકાબલાની નંબર ગેમ
હેડ-ટૂ-હેડ: કુલ 12 ટી-20 ઇન્ટરનૅશનલમાં ભારતની નવ જીત અને પાકિસ્તાનની ત્રણ
છેલ્લી પાંચ ટી-20માં કોનો કેવો પર્ફોર્મન્સ: ભારતની પાંચેયમાં જીત, પાકિસ્તાનની બે જીત, ત્રણ હાર
ટી-20 વર્લ્ડ કપમાં આમનેસામને: સાતમાંથી છ મુકાબલામાં ભારતનો અને માત્ર એકમાં (2021માં) પાકિસ્તાનનો વિજય
તમામ વિશ્ર્વ કપ મુકાબલાઓમાં: વન-ડે તથા ટી-20 વર્લ્ડ કપના કુલ 15 મુકાબલામાંથી ભારતની 14માં અને પાકિસ્તાનની ફક્ત એકમાં જીત.
કોણ સૌથી વધુ સફળ? વિરાટ વિરુદ્ધ બાબર: ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં વિરાટના નામે 26 ઇનિંગ્સમાંથી 14 હાફ સેન્ચુરી છે જે વિશ્ર્વ વિક્રમ છે. રોહિત શર્મા 10 ફિફ્ટી સાથે બીજા ક્રમે છે. બાબર આઝમના નામે ટી-20 વર્લ્ડ કપમાં 14 મૅચમાં માત્ર પાંચ હાફ સેન્ચુરી છે. જોકે તેના આ પાંચ ફિફ્ટી કૅપ્ટન તરીકે છે જે વર્લ્ડ રેકૉર્ડ છે.