T20 World Cup: ભારત સુપર-એઇટની પ્રથમ સુપર-ફાઇટ આસાનીથી જીત્યું
અફઘાનિસ્તાનની જોરદાર પછડાટ: સૂર્યકુમાર-હાર્દિકની ધમાલ બાદ બુમરાહ, અર્શદીપ અને કુલદીપની કમાલ
બ્રિજટાઉન (બાર્બેડોઝ): ટી-20 વર્લ્ડ કપમાં ટ્રોફી માટે ફેવરિટ ભારત ગુરુવારે સુપર-એઇટ રાઉન્ડના પહેલા મુકાબલામાં અફઘાનિસ્તાનને 47 રનથી હરાવીને આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ 182 રનના લક્ષ્યાંક સામે છેલ્લા બૉલે 134 રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું.
અફઘાનિસ્તાનને ભારતના નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ (4-1-7-3)નો અને ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવ (53 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)નો સૌથી વધુ ડર હતો અને એ બે ખેલાડી રાશિદ ખાનની ટીમને સૌથી ભારે પડ્યા હતા.
મોહમ્મદ સિરાજના સ્થાને કુલદીપ યાદવને ઇલેવનમાં સમાવવાનો ટીમ-મૅનેજમેન્ટનો નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. તેણે ગુલબદીન નઇબ (17 રન) અને મોહમ્મદ નબી (14 રન)ની વિકેટ લીધી હતી.
રવીન્દ્ર જાડેજા માત્ર સાત રન બનાવી શક્યો હતો, પરંતુ બોલિંગ-ફીલ્ડિંગમાં ઘણો ઉપયોગી નીવડ્યો હતો. તેણે એક વિકેટ લેવા ઉપરાંત ત્રણ કૅચ પણ પકડ્યા હતા.
મૅચની છેલ્લી પળોમાં અર્શદીપ સિંહ (4-0-36-3)ને હૅટ-ટ્રિકનો મોકો મળ્યો હતો. જોકે ફારુકીએ ફોર ફટકારીને તેને એમાં સફળ નહોતો થવા દીધો.
અક્ષર પટેલે ઇબ્રાહિમ ઝડ્રાન (8)ની વિકેટ લીધી હતી અને જાડેજાના બૉલમાં ઓમરઝાઇ (26 રન)નો કૅચ પકડ્યો હતો. માત્ર હાર્દિક પંડ્યાને 13 રનમાં એકેય વિકેટ નહોતી મળી.
એ પહેલાં, ભારતીય ટીમે સૂર્યા અને હાર્દિક પંડ્યા (32 રન, 24 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ને બાદ કરતા ખરાબ બૅટિંગ પ્રદર્શન કર્યું હતું. ભારતે બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 181 રન બનાવીને હરીફ ટીમને 182 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો જેને લીધે ભારતીય બોલર્સ પર વિજય અપાવવાનો બોજ આવી ગયો હતો. જોકે પિચને ધ્યાનમાં લેતાં ભારતનો આ સ્કોર સારો હતો.
સ્ટાઇલિશ અને આક્રમક બૅટર સૂર્યકુમાર તથા હાર્દિક વચ્ચેની પાંચમી વિકેટ માટેની 60 રનની ભાગીદારી આ ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતું. છેલ્લા બૉલે આઉટ થયેલો અક્ષર પટેલ 12 રન અને જાડેજા 7 રન બનાવી શક્યો હતો.
પહેલી ચારેય વિકેટમાં રાશિદ ખાન સંકળાયેલો હતો. રોહિત શર્મા (8 રન, 13 બૉલ, એક ફોર) પાકિસ્તાન અને અમેરિકા પછી હવે અફઘાનિસ્તાન સામે પણ સારું રમવામાં નિષ્ફળ ગયો હતો. ફઝલહક ફારુકીના બૉલમાં રાશિદે રોહિતનો કૅચ પકડ્યો હતો. ત્યાર બાદ રિષભ પંત (20 રન, 11 બૉલ, ચાર ફોર), વિરાટ કોહલી (24 રન, 24 બૉલ, એક સિક્સર) અને શિવમ દુબે (10 રન, 7 બૉલ, એક સિક્સર)ની વિકેટ રાશિદે લીધી હતી. એક તબક્કે પંતે નબીના સતત ત્રણ બૉલમાં ત્રણ ફોર ફટકારી હતી.
સૂર્યા અને શિવમની જોડી તૂટ્યા પછી સૂર્યાએ હાર્દિક સાથે જોડી જમાવી હતી. અફઘાનિસ્તાનના બોલર્સના ભલભલા આક્રમણનો પડકાર તેમણે ઝીલ્યો હતો અને લાગ મળ્યો ત્યારે સિંગલ અને બે રન લેવાની સાથે તક મળતાં ફોર અને સિક્સર પણ ઝીંકી દીધી હતી.
અફઘાનની ફીલ્ડિંગ સારી નહોતી. છઠ્ઠી ઓવરમાં બાઉન્ડરી લાઇન નજીક નવીન ઉલ હકે પંતનો કૅચ છોડવા સહિત એકંદરે ફીલ્ડિંગમાં થોડી કચાશ જોવા મળી હતી.
રાશિદ તેમ જ ફારુકીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
હવે પછીના સુપર-એઇટ મુકાબલા:
શુક્રવાર, 21 જૂન: ઑસ્ટ્રેલિયા-બંગલાદેશ (સવારે 6.00) અને ઇંગ્લૅન્ડ-સાઉથ આફ્રિકા (રાત્રે 8.00)
શનિવાર, 22 જૂન: અમેરિકા-વેસ્ટ ઇન્ડિઝ (સવારે 6.00) અને ભારત-બંગલાદેશ (રાત્રે 8.00)
રવિવાર, 23 જૂન: ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન (સવારે 6.00) અને અમેરિકા-ઇંગ્લૅન્ડ (રાત્રે 8.00)
સોમવાર, 24 જૂન: વેસ્ટ ઇન્ડિઝ-સાઉથ આફ્રિકા (સવારે 6.00) અને ભારત-ઑસ્ટ્રેલિયા (રાત્રે 8.00)
મંગળવાર, 25 જૂન: અફઘાનિસ્તાન-બંગલાદેશ (સવારે 6.00)
(ગુરુવાર, 27 જૂને સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. ફાઇનલ શનિવાર, 29 જૂને રમાવાની છે.)