T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: વર્લ્ડ કપની ફાઇનલ ફાઇટમાં ભારતનો સાઉથ આફ્રિકાને 177 રનનો પડકાર

બ્રિજટાઉન (બાર્બેડોઝ): ભારતે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં બૅટિંગ પસંદ કર્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 176 રન બનાવીને સાઉથ આફ્રિકાને જીતવા 177 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી (76 રન, 59 બૉલ, બે સિક્સર, છ ફોર) આખી ટૂર્નામેન્ટમાં ઓપનિંગમાં ફ્લૉપ રહ્યા બાદ ફાઇનલમાં સારું રમ્યો હતો. તે અસલ મિજાજમાં (આઇપીએલમાં ઓપનિંગમાં રમ્યો એવા આક્રમક મૂડમાં) નહોતો રમ્યો, પરંતુ ભારતને 170-પ્લસનો સ્કોર અપાવવામાં તેનું સૌથી મોટું યોગદાન હતું.

પાંચમી ઓવરમાં પાંચમા નંબરે મોકલવામાં આવેલા ગુજ્જુભાઈ અક્ષર પટેલે (47 રન, 31 બૉલ, ચાર સિક્સર, એક ફોર) ગામ ગજાવ્યું હતું. તે ભારતની ઇનિંગ્સનો ખરો હીરો હતો. તેણે જોરદાર ફટકાબાજી કરીને ભારતની ઇનિંગ્સમાં જાન રેડી હતી. જો અક્ષર સારું ન રમ્યો હોત તો ટીમ ઇન્ડિયાનો સ્કોર 150 સુધી પણ ન પહોંચી શક્યો હોત.

શિવમ દુબે (27 રન, 16 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) ફરી એકવાર અપેક્ષા જેવું નહોતો રમી શક્યો.
ટી-20 વર્લ્ડ કપની આઠમાંથી સાત ફાઇનલમાં ટૉસ જીતનારી ટીમની જીત થઈ હોવાના ઇતિહાસના રેકૉર્ડ સાથે મૅચ શરૂ થઈ હતી. ભારતે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. રોહિત શર્મા (નવ રન, પાંચ બૉલ, બે ફોર) અને વિરાટ કોહલીની જોડીએ શરૂઆતથી જોરદાર ફટકાબાજી કરી હતી. માર્કો યેનસેનની પહેલી ઓવરમાં કોહલીએ ત્રણ ફોર અને કેશવ મહારાજની બીજી ઓવરની શરૂઆતમાં રોહિતે બે ફોર ફટકારી હતી, પણ પછીથી મહારાજે ત્રણ બૉલમાં બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : T20 World Cup: દક્ષિણ આફ્રિકાનો પ્રખ્યાત ભવિષ્યવેતા કહે છે કે આજે આ દેશ તાજ જીતશે…

ઇન-ફૉર્મ બૅટર રોહિત શર્માને મહારાજે કલાકે 77 કિલોમીટરની ઝડપે ફેંકેલો બૉલ ઑફ સ્ટમ્પની બહારનો હતો. રોહિત સ્વીપ કરવાના પ્રયાસમાં સ્ક્વેર લેગની ડાબી તરફ કૅચ આપી બેઠો હતો. હિન્રિચ ક્લાસેને રોહિતનો બે હાથથી શાનદાર ડાઇવિંગ કૅચ પકડ્યો હતો. મહારાજ સામે રોહિતે 17 કુલ 17 બૉલના સામનામાં આ બીજી વાર વિકેટ ગુમાવી.
રોહિત પૅવિલિયનમાં પાછો ગયા બાદ રિષભ પંત બૅટિંગમાં આવ્યો હતો. ઑફ સ્ટમ્પની બહાર પડેલા બૉલને પંતે આગળ આવીને બૅકવર્ડ પૉઇન્ટ તરફ મોકલી દીધો હતો. જોકે પછીના જ બૉલમાં મહારાજે પંતને પણ પૅવિલિયનમાં મોકલી દીધો હતો. પંતના બૅટની બૉટમને ટૉપ-એજ લાગીને બૉલ પાછળ તરફ ગયો હતો અને વિકેટકીપર ક્વિન્ટન ડિકૉકે ઊંચો કૅચ પકડી લીધો હતો. મહારાજે ત્રણ બૉલમાં બે ભારતીય બૅટરને પાછા મોકલી દીધા. રોહિતે નવ રન બનાવ્યા હતા અને પંતનો ઝીરો હતો.

પછીની કૅગિસો રબાડાની ઓવરમાં ત્રણ રન અને મહારાજની ઓવરમાં છ રન બન્યા બાદ રબાડાની નવી ઓવરમાં સૂર્યકુમાર યાદવે (ત્રણ રન) વિકેટ ગુમાવી દીધી હતી.

સૂર્યાના ગયા બાદ અક્ષર પટેલને પ્રમોટ કરીને પાંચમા ક્રમે મોકલવામાં આવ્યો હતો. જોકે આફ્રિકન બોલર્સે કોહલી અને અક્ષરને બાંધીને રાખ્યા હતા. એક તબક્કે 9-12 ઓવર વચ્ચે ભારતીય ટીમમાં બે છગ્ગા વચ્ચે (અક્ષરની બે સિક્સર વચ્ચે) 20 બૉલમાં વાઇડ બૉલ સહિત કુલ માત્ર 17 રન બન્યા હતા. પાંંચ ડૉટ-બૉલ હતા.

કૅપ્ટન એઇડન માર્કરમની શરૂઆતમાં જ નવાઈ પમાડનારી વ્યૂહરચના જોવા મળી હતી. તેણે બીજી જ ઓવર લેફ્ટ-સ્પિનર કેશવ મહારાજને આપી હતી અને તેણે એ ઓવરમાં ત્રણ બૉલમાં બે વિકેટ લીધી હતી.

આખી ઇનિંગ્સમાં મહારાજ તથા ઍન્રિક નૉકિયાએ બે-બે વિકેટ તેમ જ માર્કો યેનસેન અને કૅગિસો રબાડાએ એક-એક વિકેટ લીધી હતી. મુખ્ય સ્પિનર તબ્રેઝ શમ્ઝીને 26 રનમાં અને કૅપ્ટન માર્કરમને 16 રનમાં વિકેટ નહોતી મળી.
100મી ટી-20 ઇન્ટરનૅશનલ રમનાર હાર્દિક પંડ્યા એક ફોરની મદદથી બનાવેલા પાંચ રને અણનમ રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા ઇનિંગ્સના છેલ્લા બૉલે બે રનના સ્કોર પર આઉટ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button