T20 World Cup: ભારત શનિવારે જીતીને સેમિ ફાઇનલની લગોલગ પહોંચી શકશે
રાત્રે 8.00 વાગ્યાથી સુપર-એઇટમાં બંગલાદેશ સામે ટક્કર

નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): ભારત અને બંગલાદેશ વચ્ચે શનિવારે અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં બન્ને ટીમની બીજી મૅચ (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) રમાશે. ગ્રૂપ-1માં ભારતે પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાનને હરાવ્યું હોવાથી આ બીજો મુકાબલો પણ જીતીને સેમિ ફાઇનલની નજીક પહોંચી જશે. બંગલાદેશે શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામે વરસાદના વિઘ્નો વચ્ચે પરાજય સહેવો પડ્યો હોવાથી શનિવારે ભારત સામે એણે ભારે સંઘર્ષ કરીને ગમે એમ કરીને જીતવું જ પડશે. નહીં તો સતત બીજી હારને લીધે સ્પર્ધામાંથી ફેંકાઈ જવાની એની સંભાવના વધી જશે.
ભારત વતી બૅટિંગમાં ખાસ કરીને રિષભ પંત, સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યાએ પર્ફોર્મ કર્યું હોવાથી ટૉપ-ઑર્ડરના બૅટર્સ પર ભારે દબાણ રહેશે.
ટી-20માં ભારતનો બંગલાદેશ સામે 12-1નો અને ટી-20 વર્લ્ડ કપમાં 3-0નો જીત-હારનો રેકૉર્ડ છે.
બંગલાદેશ મોટા ભાગે પોતાના લેફ્ટ-આર્મ સ્પિનર્સ પર મદાર રાખતું હોય છે. જોકે ટી-20માં ભારતીય કૅપ્ટન રોહિત શર્માની સૌથી મોટી ખામી એ રહી છે કે તે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર્સ સામે નબળું રમ્યો છે. 2024ની સાલમાં તે જેટલી પણ ટી-20 મૅચ રમ્યો છે એમાં તે નવ વખત લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલરને વિકેટ આપી બેઠો છે. બંગલાદેશ શનિવારે મુસ્તફિઝૂર રહમાનને ખાસ કરીને રોહિત સામે મૂકીને તેને વહેલો પૅવિલિયનમાં મોકલવા કોઈ કસર નહીં છોડે. જોકે નવાઈની વાત એ છે કે મુસ્તફિઝૂર સામે રોહિતનો સારો રેકૉર્ડ છે. તેની સામે રોહિતે 72 બૉલમાં 122 રન બનાવ્યા છે અને ત્રણ જ વાર આઉટ થયો છે.
રોહિત શર્માની જેમ શાકિબ-ઉલ-હક પણ 2007ના પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં રમ્યો હતો. શનિવારે એ બન્ને એકમેકની સામે આવી શકે. શાકિબ એક વિકેટ લેશે એટલે ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 50 વિકેટ લેનાર પ્રથમ બોલર બની જશે. ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 150 વિકેટ પૂરી કરવા તેને માત્ર બે શિકારની જરૂર છે. તેનાથી માત્ર ટિમ સાઉધી જ આગળ છે. સાઉધીના નામે 164 ટી-20 વિકેટનો વિશ્ર્વવિક્રમ છે.
હવે પછીના સુપર-એઇટ મુકાબલા:
શનિવાર, 22 જૂન: અમેરિકા-વેસ્ટ ઇન્ડિઝ (સવારે 6.00) અને ભારત-બંગલાદેશ (રાત્રે 8.00)
રવિવાર, 23 જૂન: ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન (સવારે 6.00) અને અમેરિકા-ઇંગ્લૅન્ડ (રાત્રે 8.00)
સોમવાર, 24 જૂન: વેસ્ટ ઇન્ડિઝ-સાઉથ આફ્રિકા (સવારે 6.00) અને ભારત-ઑસ્ટ્રેલિયા (રાત્રે 8.00)
મંગળવાર, 25 જૂન: અફઘાનિસ્તાન-બંગલાદેશ (સવારે 6.00)
(ગુરુવાર, 27 જૂને સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. ફાઇનલ શનિવાર, 29 જૂને રમાવાની છે.)