T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: વિરાટ વર્લ્ડ કપમાં 3,000 રન બનાવનારો વિશ્ર્વનો પહેલો ખેલાડી

બંગલાદેશ સામે હાર્દિકના 27 બૉલમાં ફિફ્ટી, ભારતના 196/5

નોર્થ સાઉન્ડ: ભારતે અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની બીજી મૅચમાં બંગલાદેશ સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 196 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં વિરાટ કોહલી (37 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) ફરી લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો, પરંતુ તેણે મોટી સિદ્ધિ મેળવી હતી. તે આઇસીસી વર્લ્ડ કપ (ટી-20 તેમ જ વન-ડે)ના ઇતિહાસમાં કુલ 3,000 રન બનાવનારો વિશ્ર્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. એમાં વિરાટે 1,207 રન ટી-20 ફૉર્મેટની 32 મૅચમાં બનાવ્યા છે.

બંગલાદેશ સામે ભારતના પાંચ બૅટરે સાધારણ પર્ફોર્મ કર્યું હતું, પણ એ બધામાં હાર્દિક પંડ્યા (50 અણનમ, 27 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નો પર્ફોર્મન્સ સર્વોત્તમ હતો. તેણે 27 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરવાની સાથે શિવમ દુબે (34 રન, 24 બૉલ, ત્રણ સિક્સર) સાથે 53 રનની અને પછી અક્ષર પટેલ (ત્રણ અણનમ) સાથે 35 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. એ પહેલાં રિષભ પંત (36 રન, 24 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને કૅપ્ટન રોહિત શર્મા (23 રન, 11 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નું ટીમના સ્કોરમાં સાધારણ યોગદાન હતું.

ભારતની આ ઇનિંગ્સમાં ફોર (12) કરતાં સિક્સર (13)ની સંખ્યા વધુ હતી.
ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 62 રન બનાવ્યા હતા અને એને લીધે જ ટીમનો સ્કોર 200 રનની નજીક પહોંચી શક્યો હતો.
બંગલાદેશના કૅપ્ટન શૅન્ટોએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ભારતે વિનિંગ-ટીમમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. જોકે બંગલાદેશે તાસ્કિન અહમદને ઇલેવનમાં નહોતો સમાવ્યો. બૅટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ રોહિત શર્માએ કહ્યું, ‘જો હું ટૉસ જીત્યો હોત તો મેં બૅટિંગ જ લીધી હોત.

આ પણ વાંચો : ભારતની ત્રણ તીરંદાજે ત્રીજી વાર વર્લ્ડ કપના ગોલ્ડ મેડલને આબાદ નિશાન બનાવ્યો

ભારતે સકારાત્મક શરૂઆત કરી હતી. રોહિતે મહેદી હસનની પહેલી ઓવરમાં સાત રન બનાવ્યા હતા. એ ઓવરમાં બનેલા કુલ આઠ રન સહિત પહેલી ત્રણ ઓવરમાં 29 રન બન્યા હતા. વિરાટે પણ રોહિતને ફટકાબાજીમાં સાથ આપ્યો હતો. બીજી ઓવર શાકિબ અલ હસને કરી હતી જેમાં રોહિત-વિરાટે 15 રન ઝૂડી કાઢ્યા હતા.

ચોથી ઓવરમાં 39 રનના ટીમ-સ્કોરે રોહિત એક સિક્સર, ત્રણ ફોરની મદદથી 23 રન બનાવીને આઉટ થયો ત્યાર બાદ વિરાટ સાથે વિકેટકીપર રિષભ પંત જોડાયો હતો. બન્ને બૅટર ભારતના સ્કોરને 70-પ્લસ સુધી લઈ ગયા હતા ત્યારે તેન્ઝિમ સાકિબની એક જ ઓવરમાં ભારતને બે ઝટકા લાગ્યા હતા. સતત ચાર મૅચમાં ફ્લૉપ ગયેલો વિરાટ 28 બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી 37 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ સંઘર્ષ કરી રહેલા રિષભ પંત સાથે જોડાયો હતો. જોકે અફઘાનિસ્તાન સામેની મૅચના હીરો સૂર્યાએ તેન્ઝિમ સામે પોતાના પહેલા બૉલમાં (બાઉન્સરમાં) સિક્સર ફટકારી, પરંતુ બીજા જ બૉલમાં (બૉલ ધાર્યા કરતાં વધુ ઉછળતાં) વિકેટકીપર લિટન દાસને કૅચ આપી બેઠો હતો. એ નવમી ઓવર હતી જેમાં તેન્ઝિમે ત્રણ બૉલમાં ભારતને બે કરન્ટ આપ્યા હતા.

ભારતે 10 ઓવરમાં ત્રણ વિકેટે 83 રન બનાવ્યા હતા. બ્રેક પછી પંતે ફરી ફટકાબાજી શરૂ કરીને મુસ્તફિઝૂરની ઓવરમાં બે ફોર, એક સિક્સરની મદદથી 14 રન ખડકી દીધા હતા.

પંત અને શિવમે નવ રનની ઍવરેજ જાળવી હતી, પરંતુ 12મી ઓવરમાં પંતે 24 બૉલમાં બે સિક્સર, ચાર ફોરની મદદથી બનેલા 36 રનના પોતાના સ્કોર પર રિશાદ હોસેનના બૉલમાં તેન્ઝિમને આસાન કૅચ આપી દીધો હતો. 18મી ઓવરમાં શિવમ આઉટ થયા બાદ હાર્દિક અને અક્ષરે છેક સુધી ગઢ સાચવી રાખ્યો હતો. તેન્ઝિમ અને રિશાદે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker