T20 World Cup: Eng vs USA અમેરિકાને હરાવીને ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં જનારી પ્રથમ ટીમ બની
ક્રિસ જોર્ડન ટી-20માં હૅટ-ટ્રિક લેનાર પહેલો બ્રિટિશ બોલર
બ્રિજટાઉન: રવિવારે અમેરિકા (18.5 ઓવરમાં 115/10)ને ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટમાં ઇંગ્લૅન્ડે (9.4 ઓવરમાં 117/0) 62 બૉલ બાકી રાખીને 10 વિકેટથી હરાવી દીધું હતું. ઇંગ્લૅન્ડની ટીમ સુપર-એઇટમાં આવનારી છેલ્લી ટીમ બની હતી, પરંતુ રવિવારે અમેરિકાને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની હતી.
કૅપ્ટન જૉસ બટલર (83 અણનમ, 38 બૉલ, સાત સિક્સર, છ ફોર) અને ફિલ સૉલ્ટ (પચીસ અણનમ, 21 બૉલ, બે ફોર)ની ઓપનિંગ જોડીએ 117 રનની અતૂટ ભાગીદારી સાથે ટીમને વિજય અપાવ્યો હતો. એ પહેલાં, અમેરિકાએ બૅટિંગ મળ્યા બાદ નીતિશ કુમારના 30 અને કૉરી ઍન્ડરસનના 29 રનની મદદથી માત્ર 115 રન બનાવ્યા હતા.
પેસ બોલર ક્રિસ જોર્ડન (Chris Jordan)ને અમેરિકા સામેની મૅચમાં માર્ક વૂડના સ્થાને રમવા મળ્યું અને તેણે ઇંગ્લૅન્ડ માટે ઇતિહાસ રચી દીધો હતો. જોર્ડન ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં હૅટ-ટ્રિક લેનાર પહેલો બ્રિટિશ બોલર બન્યો હતો. એ સાથે તે ટી-20 વર્લ્ડ કપમાં હૅટ-ટ્રિક લેનાર બોલર્સની યાદીમાં પણ જોડાયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ હૅટ-ટ્રિક જોવા મળી. ઑસ્ટ્રેલિયાના પૅટ કમિન્સે બંગલાદેશ સામે અને પછી અફઘાનિસ્તાન સામે હૅટ-ટ્રિક લીધી ત્યાર પછી હવે જોર્ડન પણ તેની સાથે જોડાયો હતો.
અમેરિકા સામે રવિવારે પાંચ બૉલમાં ચાર વિકેટ લેનાર જોર્ડને 19મી ઓવરના પ્રથમ બૉલમાં કૉરી ઍન્ડરસનને આઉટ કર્યો ત્યાર પછી બીજો ડૉટ-બૉલ હતો. જોકે ત્રીજા, ચોથા અને પાંચમા બૉલમાં જોર્ડને અનુક્રમે અલી ખાન, કેન્જિગે અને સૌરભ નેત્રાવલકરને આઉટ કરીને ઐતિહાસિક હૅટ-ટ્રિક લીધી હતી.
અમેરિકાએ જોર્ડનની કુલ ચાર તેમ જ સૅમ કરૅન તથા આદિલ રાશિદની બે-બે વિકેટને કારણે માત્ર 115 રન બનાવ્યા હતા.