T20 World Cup: દ્રવિડ આઇસીસી પર ભડક્યો, ‘અમારી ટીમે કેમ પબ્લિક પાર્કમાં પ્રૅક્ટિસ કરવી પડી?’
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચનો દિવસ આવી ગયો છે અને એ પહેલાં ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) આ સ્પર્ધાના આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) પર ગુસ્સે થયો છે. ભારતીય ટીમને પ્રૅક્ટિસ માટે જે સ્થળ આપવામાં આવ્યું એ બાબતમાં દ્રવિડ નારાજ હતો. તેણે મંગળવારે પત્રકારોને આઇસીસી માટેની ટકોરના અર્થમાં કહ્યું, ‘સામાન્ય રીતે વર્લ્ડ કપ જેવી મોટી ઇવેન્ટમાં પ્રૅક્ટિસ માટે મોટા સ્ટેડિયમનું મેદાન અથવા કમસે કમ ક્રિકેટ સ્ટેડિયમ આપવામાં આવતું હોય છે, પરંતુ નવાઈની વાત એ છે કે અમારી ટીમને પ્રૅક્ટિસ માટે પબ્લિક પાર્ક આપવામાં આવ્યું છે.’
અમેરિકાને વર્લ્ડ કપની કુલ 16 મૅચ આપવામાં આવી છે જેમાંની આઠ મૅચ ખાસ ક્રિકેટ માટે તૈયાર કરવામાં આવેલા ન્યૂ યૉર્કના નૅસોઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાશે. ભારતની (પાકિસ્તાન સામેના મુકાબલા સહિત) ચારમાંથી ત્રણ લીગ મૅચ ન્યૂ યૉર્કમાં રમાવાની છે. એક મૅચ ફ્લોરિડા સ્ટેટના લૉડરહિલમાં રમાશે.
ન્યૂ યૉર્કના મેદાન માટે ખાસ પિચ મગાવવામાં આવી છે અને એની જવાબદારી ઍડિલેઇડ ઓવલના હેડ ક્યુરેટર ડેમિયન હૉફને સોંપવામાં આવી છે. આ મેદાન પર પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી જેમાં કુલ 35.4 ઓવરમાં માત્ર 157 રન બન્યા હતા. શ્રીલંકા ફક્ત 77 રન બનાવી શક્યું અને સાઉથ આફ્રિકાએ છ વિકેટે 78 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.
આ મૅચમાં પિચ પર અણધાર્યા બાઉન્સ થયા હતા અને આઉટફીલ્ડ પણ સારું નહોતું. જોકે દ્રવિડે આશા વ્યક્ત કરી હતી કે દિવસ જતાં પિચ અને આઉટફીલ્ડમાં સુધારો જોવા મળશે.