T20 World Cup: ઓસ્ટ્રેલિયા માત્ર 34 બૉલમાં જીતીને પહોંચ્યું સુપર એઇટમાં
નામિબિયાને 86 બૉલ બાકી રાખીને હરાવી કાંગારૂઓ રેકોર્ડ-બુકમાં આવી ગયા

ઍન્ટિગા: અહીં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમના મેદાન પર નામિબિયા (17 ઓવરમાં 72/10)ને 2021ના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (5.4 ઓવરમાં 74/1)એ 86 બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી હરાવી સુપર એઇટ રાઉન્ડમાં સ્થાન પાક્કું કરી લીધું હતું. ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ બૉલ બાકી રાખીને મેળવેલા વિજયમાં ઓસ્ટ્રેલિયાની આ જીત બીજા નંબરે છે. 2014ના વર્લ્ડ કપમાં શ્રીલંકાએ નેધરલેન્ડ્સને 90 બૉલ બાકી રાખીને હરાવ્યું હતું.
નામિબિયાએ બેટિંગ મળ્યા પછી કેપ્ટન જેરાર્ડ ઇરેસમસના 36 રનની મદદથી ફક્ત ૭૨ રન બનાવ્યા હતા. સ્પિનર એડમ ઝેમ્પાએ 12 રનમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. હેઝલવૂડ અને સ્ટોઇનિસને બે-બે વિકેટ મળી હતી. એક તબક્કે નામિબિયાની 43 રનમાં આઠ વિકેટ પડી ચૂકી હતી.
ઓસ્ટ્રેલિયાએ વોર્નરના 20 રન તેમ જ ટ્રેવિસ હેડના અણનમ 34 રન અને કેપ્ટન મિચલ માર્શના અણનમ 18 રનની મદદથી આ વન-સાઈડ મેચમાં વિજય મેળવી લીધો હતો. ઑસ્ટ્રેલિયાએ 74 રન ફક્ત 34 બૉલમાં બનાવી લીધા હતા.
એડમ ઝેમ્પાને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.