T20 World Cup:અફઘાનિસ્તાન વર્લ્ડ કપના સુપર-એઇટમાં: ન્યૂ ઝીલેન્ડની શૉકિંગ એકઝિટ

ટ્રિનિદાદ: અહીં ટેરૉઉબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની ગ્રુપ-સીની લીગ મેચમાં પાપુઆ ન્યુ ગિની (19.5 ઓવરમાં 95/10)ને અફઘાનિસ્તાને (15.1 ઓવરમાં 101/3) સાત વિકેટે હરાવીને સુપર-એઇટ રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી હતી. એ સાથે ન્યૂ ઝીલેન્ડની ટીમની આ ટૂર્નામેન્ટમાંથી શોકિંગ એક્ઝિટ થઈ હતી. ચારમાંના દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમ સુપર-એઇટમાં જાય છે. આ ગ્રૂપમાંથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ બે દિવસ પહેલાં જ ક્વોલિફાય થઈ હતી.
ન્યૂ ઝીલેન્ડ 2014 પછી પહેલી જ વાર સેમિ ફાઇનલ તબક્કાની પહેલાં જ આઉટ થઈ ગયું છે.
પાપુઆ ન્યૂ ગિની (પીએનજી)ની ટીમમાં કિપ્લિન ડૉરિગાના 27 રન હાઈએસ્ટ હતા. પીએનજીના ચાર બૅટર રનઆઉટ થયા હતા જેમાંના બે બૅટરને વિકેટકીપર ગુરબાઝે અને બીજા બે બૅટરને રાશિદ ખાને રનઆઉટ કર્યા હતા.
તાજેતરની આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમી ચૂકેલો ફઝલહક ફારુકી (4-0-16-3) પીએનજી સામેના મુકાબલામાં મૅન ઑફ ધ મૅચ નો અવૉર્ડ જીત્યો હતો.
આઈપીએલમાં લખનઊ વતી રમી ચૂકેલા ફાસ્ટ બોલર નવીન ઉલ હક (2.5-0-4-2)નું પણ પીએનજીને 95 રનમાં ઑલઆઉટ કરાવવામાં મહત્વનું યોગદાન હતું.
અફઘાનિસ્તાને ગુલબદિન નઇબના અણનમ 49 રનની મદદથી 29 બૉલ બાકી રાખીને 96 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. નઇબે વિનિંગ સિક્સર ફટકારી એ સાથે અફઘાનિસ્તાને 101/3ના સ્કોર સાથે વિજય નોંધાવ્યો હતો.