T20 World Cup:અફઘાનિસ્તાને ન્યૂ ઝીલૅન્ડને પહેલી જ વાર હરાવ્યું, ચાર અફઘાનીના નામે લખાયા પાંચ વિશ્ર્વવિક્રમ
પ્રૉવિડન્સ (ગયાના): કેન વિલિયમસનના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) અહીં શુક્રવારે (ભારતીય સમય મુજબ શનિવારે) અફઘાનિસ્તાન (Afghanistan) સામે હારી ગયું એ અપસેટ ન કહેવાય, પરંતુ કિવીઓ જે રીતે હાર્યા એ જરૂર મોટો અપસેટ કહી શકાય. બોલર્સ-ફ્રેન્ડ્લી પિચ પર અફઘાનિસ્તાને 160 રનનો લક્ષ્યાંક આપ્યો જે ન્યૂ ઝીલૅન્ડ સામે સામાન્ય કહેવાય, પરંતુ આખી કિવી ટીમ 15.2 ઓવરમાં 75 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ અને અફઘાનિસ્તાન પહેલી વાર ન્યૂ ઝીલૅન્ડને હરાવવામાં સફળ થયું હતું. કિવીઓના આ અત્યંત ખરાબ પર્ફોર્મન્સ વચ્ચે અફઘાનિસ્તાનના એક પછી એક ચાર ખેલાડીના નામે નિતનવા વર્લ્ડ રેકૉર્ડ નોંધાયા હતા. એમાં રહમનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝડ્રાન, ફઝલહક ફારુકી અને રાશીદ ખાનનો સમાવેશ છે.
અફઘાનિસ્તાને છ વિકેેટે 159 રન બનાવ્યા બાદ ન્યૂ ઝીલૅન્ડની ટીમે ટી-20 વર્લ્ડ કપમાં પોતાનો સેક્ધડ-લોએસ્ટ સ્કોર (75 રન) નોંધાવ્યો હતો. 2014ના વિશ્ર્વ કપમાં શ્રીલંકા સામે ન્યૂ ઝીલૅન્ડ 60 રનમાં ઑલઆઉટ થયું હતું અને શ્રીલંકા 59 રનથી જીતી ગયું હતું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અફઘાનિસ્તાને શુક્રવારે પહેલી વાર ન્યૂ ઝીલૅન્ડને હરાવવામાં સફળતા મેળવી હતી. પાછલા ચાર મુકાબલામાં કિવીઓ જીત્યા હતા. ત્રણ વખત વન-ડેના વર્લ્ડ કપમાં અને એક વાર ટી-20 વર્લ્ડ કપમાં કિવીઓએ જીત મેળવી હતી. એ સિવાય બન્ને દેશ વચ્ચે વન-ટૂ-વન સિરીઝ ક્યારેય નથી રમાઈ.
ન્યૂ ઝીલૅન્ડ વર્લ્ડ કપમાં પહેલી વાર આઠ ફુલ મેમ્બર-રાષ્ટ્ર સિવાયના દેશ સામેની ટીમ સામે હાર્યું છે. અગાઉ કિવીઓ આઠ મોટા દેશો સિવાયના નાના રાષ્ટ્રોની ટીમો સામે કુલ 38 મૅચ રમ્યા હતા જેમાંથી 37માં જીત્યા હતા અને એક મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી.
આ પણ વાંચો – T20 World Cup: કિવીઓ એક અફઘાન પ્લેયર જેટલા રન પણ ન બનાવી શક્યા અને હાર્યા
2021ના ટી-20 વર્લ્ડ કપનું રનર-અપ ન્યૂ ઝીલૅન્ડ પહેલી જ વાર આ ટૂર્નામેન્ટમાં 84 રનના તોતિંગ માર્જિનથી હારી ગયું છે. અગાઉ એની હારનો હાઈએસ્ટ માર્જિન 59 રન હતો. 2014ના વર્લ્ડ કપમાં કિવીઓ 60 રને ઑલઆઉટ થતાં શ્રીલંકાનો 59 રનથી વિજય થયો હતો.
અફઘાનિસ્તાનના ઓપનર્સ ગુરબાઝ (80 રન) અને ઝડ્રાન (44 રન) વચ્ચે 103 રનની પાર્ટનરશિપ થઈ હતી. ટી-20 વર્લ્ડ કપમાં ઉપરાઉપરી બે મૅચમાં 100-પ્લસની ભાગીદારી કરનાર વિશ્ર્વની પહેલી જ જોડી છે. ત્રીજી જૂને ગયાનામાં જ ગુરબાઝ-ઝડ્રાન વચ્ચે યુગાન્ડા સામે 154 રનની ભાગીદારી થઈ હતી.
ગુરબાઝના રન હરીફ ટીમના કુલ સ્કોરથી પણ વધુ હોય એવું બીજી વાર બન્યું અને એ નવો વિશ્ર્વ વિક્રમ છે. શુક્રવારે તેના 80 રન સામે ન્યૂ ઝીલૅન્ડના 75 રન હતા, ત્રીજી જૂને તેના 76 રન સામે યુગાન્ડા ફક્ત 58 રનમાં આઉટ થઈ ગયું હતું.
રાશીદ ખાન (17/4)નો ન્યૂ ઝીલૅન્ડ સામેનો બોલિંગ પર્ફોર્મન્સ ટી-20 વર્લ્ડ કપના કૅપ્ટનોમાં સર્વશ્રેષ્ઠ છે. તેણે ન્યૂ ઝીલૅન્ડના જ ડેનિયલ વેટોરી (2007માં ભારત સામે 20/4)નો વિક્રમ તોડ્યો છે.
રાશીદ ખાને ટી-20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં શુક્રવારે 17મી વખત ચાર કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી. તેણે બાંગ્લાદેશના શકીબ અલ હસનનો વિશ્ર્વ વિક્રમ તોડી નાખ્યો છે. શકીબે ટી-20 ક્રિકેટમાં 16 વાર અને મલિંગાએ 15 વખત ચાર કે વધુ વિકેટ લીધી છે.
અફઘાનિસ્તાનનો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ફઝલહક ફારુકી ટી-20 વર્લ્ડ કપમાં લાગલગાટ બે મૅચમાં ચાર કે વધુ વિકેટ લેનાર વિશ્ર્વનો પહેલો જ બોલર છે. ન્યૂ ઝીલૅન્ડ સામે તેણે 17 રનમાં ચાર વિકેટ લીધી હતી. ત્રીજી જૂને તેણે યુગાન્ડ સામે નવ રનમાં પાંચ વિકેટ લીધી હતી.