ગિલની બાદબાકી અને ઇશાન કિશનના સમાવેશ વિશે આગરકર તથા સૂર્યકુમારે આપ્યા આ કારણ…

મુંબઈઃ ભારતીય સિલેક્ટરોએ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે શનિવારે ટીમ સિલેક્ટ કરતી વખતે ખ્યાતિ કરતાં તાજેતરના અસરદાર પર્ફોર્મન્સને ધ્યાનમાં લીધા છે અને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલને પડતો મૂકવાનું હિંમતભર્યું પગલું ભર્યું છે તેમ જ વિકેટકીપર-બૅટ્સમૅન ઇશાન કિશનને સિલેક્ટ કરવાનું પસંદ કર્યું છે અને એ માટે ખુદ ચીફ સિલેક્ટર અજિત આગરકર અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કેટલાક કારણો આપ્યા છે.
મુંબઈમાં શનિવારે સવારે નક્કી થયેલી વર્લ્ડ કપ માટેની ટીમ એ ટૂર્નામેન્ટ પહેલાં ન્યૂ ઝીલૅન્ડ સામે આવતા મહિને ઘરઆંગણે રમાનારી ટી-20 સિરીઝમાં પણ રમશે. ગિલની ટેસ્ટ અને વન-ડેની કૅપ્ટન્સીના વખાણ જરૂર થયા છે, પરંતુ બૅટિંગમાં (ખાસ કરીને ટી-20 ઇન્ટરનૅશનલમાં) તે અસલ ફૉર્મ ગુમાવી બેઠો છે એટલે તેની બાદબાકીની સંભાવના હતી જ અને એવું જ થયું છે. આગરકરે પત્રકારોને ગિલની વાત કરવાની સાથે તાજેતરમાં આક્રમક ફટકાબાજીથી ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું પ્રથમ ટાઇટલ અપાવનાર ઇશાન કિશનના સિલેક્શનને લક્ષમાં રાખીને કહ્યું, ` ગિલ હાલમાં રન નથી કરી શકતો. ગયા વર્લ્ડ કપમાં પણ તે નહોતો. અમે ટીમમાં જે મહત્ત્વના ફેરફારો બૅટ્સમેનોના કૉમ્બિનેશનને તેમ જ ટીમ-મૅનેજમેન્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કર્યા છે. બૅટિંગમાં ટોચના સ્થાને અભિષેક શર્મા તો છે જ. છેલ્લા એક વર્ષમાં તે ખૂબ સારું રમ્યો છે. ટીમ-મૅનેજમેન્ટની ઇચ્છાને ધ્યાનમાં રાખીને અમે વિચાર્યું કે ટૉપ-ઑર્ડરમાં એવા વિકેટકીપરને સમાવીએ કે જે આક્રમક બૅટિંગ પણ કરી શક્તો હોય. અમારે વધુમાં વધુ 15 ખેલાડી નક્કી કરવાના હતા એટલે કોઈકને તો ડ્રૉપ કરવાનો જ હતો એટલે તેને (ગિલને) ડ્રૉપ કર્યો. તે સારો પ્લેયર નથી એટલે તેને પડતો મૂક્યો એવું નથી. એવું જ જિતેશ શર્માના કિસ્સામાં છે. તે પણ કંઈ બહુ ખરાબ નથી રમ્યો, પરંતુ તેને પણ ટીમમાં નથી સમાવ્યો. ટીમ-મૅનેજમેન્ટ આવી જ કૉમ્બિનેશન્સની તલાશમાં હતું.’

ગિલને ગયા મહિને ટી-20નો વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે તેને ટીમમાં સંજુ સૅમસનના સ્થાને જ લેવામાં આવ્યો હતો. યોગાનુયોગ શુક્રવારે સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ટી-20માં સૅમસનને ઈજાગ્રસ્ત ગિલના સ્થાને જ રમવાનો મોકો મળ્યો હતો જેમાં તેણે બાવીસ બૉલમાં 37 રન કર્યા હતા. વર્લ્ડ કપની ટીમમાં સૅમસનનો સમાવેશ છે. જોકે રિષભ પંતને નથી લેવામાં આવ્યો. ઇશાન કિશનને ટૉપ-ઑર્ડરમાં સમાવાયો એટલે યશસ્વી જયસ્વાલનો પણ નંબર નથી લાગ્યો.
ગિલ છેલ્લી ટૉપ-ઑર્ડરમાં 15 ઇનિંગ્સમાં એક પણ હાફ સેન્ચુરી નથી કરી શક્યો. ખુદ સુકાની સૂર્યકુમારનું નબળું બૅટિંગ-ફૉર્મ પણ ટીમ માટે ચિંતાનો વિષય છે. સૂર્યકુમારે શનિવારે પત્રકારોને કહ્યું, ` ટીમ નક્કી કરવામાં ગિલનું ફૉર્મ અમારા માટે મોટો મુદ્દો હતો જ નહીં. ટીમના કૉમ્બિનેશનને ધ્યાનમાં રાખીને જ ટીમ નક્કી કરાઈ છે. અમે બૅટિંગમાં ટોચના સ્થાને વિકેટકીપરને લેવા માગતા હતા (એટલે ઇશાન કિશન પર કળશ ઢોળ્યો). મિડલ-ઑર્ડરમાં અમે રિન્કુ સિંહને અને વૉશિંગ્ટન સુંદરને રમાડવા માગીએ છીએ કે જેથી કૉમ્બિનેશન થોડું અલગ બની રહે. એટલે જ અમે ટૉપ-ઑર્ડરમાં વિકેટકીપરને સમાવ્યો છે. બાકી, ગિલ બહુ જ સારો પ્લેયર છે. એમાં બેમત નથી. અમે બે-ત્રણ એવા કૉમ્બિનેશન રાખવા માગતા હતા કે જે અમને વર્લ્ડ કપ જિતાડી આપે.’
ભારતીય ટીમમાં કોણ શેમાં સ્પેશ્યલઃ
બૅટ્સમેનઃ અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), તિલક વર્મા, રિન્કુ સિંહ.
વિકેટકીપરઃ સંજુ સૅમસન, ઇશાન કિશન.
ઑલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઇસ-કૅપ્ટન), વૉશિંગ્ટન સુંદર
સ્પિનરઃ વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.
પેસ બોલરઃ જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.



